મુસ્લિમ વિરોધી પોસ્ટ મામલે UAEનું આકરૂ વલણ, વધુ 3 ભારતીયોએ નોકરી ગુમાવી

ભારતીય રાજદૂતે યુએઈમાં રહેતા ભારતીયોને સંબોધીને ભડકાઉ પોસ્ટ ન કરવા સૂચના આપી હતી

 

યુનાઈટેડ આરબ અમીરાતમાં સોશિયલ મીડિયા પર ઈસ્લામોફોબિયા સાથે સંકળાયેલી પોસ્ટ કરવાને લઈ ત્રણ ભારતીયોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે અથવા તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા જ યુએઈના ભારતીય રાજદૂતે પ્રવાસી ભારતીયોને કડક શબ્દોમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન કરવા માટે સૂચના આપી હતી. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટને લઈ યુએઈમાં રહેતા છ જેટલા ભારતીયો વિરૂદ્ધ કાર્યવાહી થઈ છે અને તે યાદીમાં વધુ ત્રણ ભારતીયોના નામ પણ જોડાઈ ગયા છે.

શેફ રાવત રોહિત, સ્ટોરકીપર સચિન કિન્નીગોલી અને એમ્પ્લોયરે જેની ઓળખ જાહેર નથી કરી તેવા એક કેશ કસ્ટોડિયનને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈસ્લામોફોબિયા સાથે સંકળાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કાર્યવાહીનો સામનો કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે જેથી ભારતીય પ્રવાસીઓએ પોતાના રાજદૂતની સૂચનાને અવગણી હોવાનું કહી શકાય. યુએઈની રાજકુમારી હેંદ કાસિમીએ પણ તેમના દેશમાં રહેતા ભારતીયો નફરતનો ફેલાવો કરતી પોસ્ટ કરશે તો તેમના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી.

રાજકુમારીની આક્રમક ટ્વિટ બાદ ભારતીય રાજદૂત પવન કુમારે ભારત અને યુએઈ કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા સાથે સમાન વ્યવહાર કરે છે તેમ જણાવીને યુએઈમાં રહેતા ભારતીયોને તે ધ્યાનમાં રાખવા સૂચના આપી હતી. પરંતુ તેમ છતા ગત સપ્તાહે વધુ ત્રણ ભારતીયો દ્વારા આપત્તિજનક પોસ્ટ કરવામાં આવતા સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ફરિયાદ કરી હતી અને એમ્પ્લોયર્સે તેમના વિરૂદ્ધ પગલા લેવા પડ્યા હતા. યુએઈમાં રહેતા ભારતીયોની આ પ્રકારની ગતિવિધિ બંને દેશ વચ્ચેની મિત્રતા પર અસર કરે તેવી શક્યતા જણાઈ રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.