નદીઓ ઓવરફ્લો, વાદળ ફાટ્યું, ભૂસ્ખલન…જેવી સ્થિતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉત્તરાખંડમાં 8ના મોત…

Uttarakhand Flood: ઉત્તરાખંડમાં બુધવારે સવારથી ભારે વરસાદને કારણે બે અલગ-અલગ જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી રહી છે. ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી ગડેરા ખાતે વાદળ ફાટવાની(Uttarakhand Flood) ઘટના બાદ લગભગ 150 થી 200 જેટલા લોકો ફસાયા છે.

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પહાડોથી માંડીને મેદાનો સુધી માત્ર પાણી જ દેખાય છે. સાથે જ કેદારનાથ રોડ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે ગરમ તળાવ ધોવાઈ ગયું છે. સાવચેતીના પગલા તરીકે વહીવટીતંત્રે ગૌરીકુંડને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ છલકાય ગયા છે અને ગઇકાલે મોડી સાંજે ટિહરીના ભીલંગાણા બ્લોક વિસ્તારના નૌતાદ ટોકમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન થયું છે. અહીં વાદળ ફાટવાને કારણે એક હોટલ ધોવાઈ ગઈ હતી, જેમાં હોટલ માલિક સહિત ત્રણ લોકો લાપતા થઈ ગયા હતા તેવી માહિતી મળી રહી છે. તેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે અને યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે.

બીજી બાજુ કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટવાની ઘટના બન્યા પછી માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે. લગભગ 30 મીટર ફૂટપાથ ખરાબ થઈ ગઈ છે અને આશરે 150-200 મુસાફરો ત્યાં ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. સતત વરસાદને કારણે કેદારનાથ ધામમાં મંદાકિની નદીનું જળસ્તર ખુબ ઝડપથી વધી રહ્યું છે.

આ વિસ્તારોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધી વરસાદના કહેરથી 8 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગુમ છે. ટિહરીમાં વાદળ ફાટવાને કારણે ત્રણથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે દેહરાદૂનમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ લાપતા થઈ હતી. ચમોલીમાં એક મહિલાનું મોત થયું તો હરિદ્વારમાં બે બાળકોના મોત થયા છે. હળવદની અને બાગેશ્વરમાં અલગ-અલગ ઘટનાઓમાં બે બાળકો ડૂબી જવાના સમાચાર તો નૈનીતાલમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સમાચાર સામે આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.