દેશમાં નાના અને લઘુ ઉદ્યોગોને સરકારી તથા ખાનગી સાહસો દ્વારા રૂ. છ લાખ કરોડ જેટલી રકમ ચુકવવાની બાકી છે અને આવા ઉદ્યોગો પડી ભાંગવાના આરે આવીને ઉભા રહી ગયા છે એવી માહિતી નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ આજે રાજ્યસભામાં આપી હતી. નાના, લઘુ અને મધ્યમ સાહસોની કામગીરી અંગેની એક ચર્ચાનો જવાબ આપતા આ ઉદ્યોગોના મંત્રી નીતિન ગડકરીએ આજે રાજ્યસભાને જણાવ્યું હતું કે સરકારી સાહસો આવા ઉદ્યોગોના ઉત્પાદનો ખરીદે છે પણ તેની ચુકવણી ત્રણ ચાર મહિના સુધી કરતા નથી. નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પડી ભાંગવાના આર આવી ગયા છે. વીસથી બાવીસ હજાર જેવા આવા કેસો છે. મારા અંદાજ પ્રમાણે મોટા ઉદ્યોગપતિઓ, રાજ્ય સરકારો-કેન્દ્ર સરકારના સાહસોએ નાના ઉદ્યોગોને રૂ. પ.પ લાખ કરોડથી રૂ. ૬ લાખ કરોડ જેટલી રકમ ચુકવવાની બાકી છે એમ ગડકરીએ જણાવ્યું હતું. આ એક ગંભીર સ્થિતિ છે. અમે નાણા મંત્રાલય સાથે ચર્ચામાં છીએ અને આનો કંઇક ઉકેલ શોધી કાઢીશું…આપણે તેમની ચુકવણીઓ ત્રણ મહિનામાં કરવાની છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે હવે શિડ્યુલ્ડ, ખાનગી, સહકારી બેંકોને તથા એનબીએફસીઝને પણ નાના ઉદ્યોગોને ધિરાણ આપવાની પરવાનગી આપવામાં આવી છે અને નાણા મંત્રાલયે ડીસ્ટ્રેસ્ડ એસેટ ફંડ માટે રૂ. દસ હજાર કરોડ ફાળવવાની ભલામણ મંજૂર કરી છે અને તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.