નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યો ધોનીનો જબરજસ્ત ક્રેઝ, સુરક્ષા વ્યવસ્થા તોડી મેદાનમાં પહોંચેલા ચાહકે કર્યાં પ્રણામ

મહેન્દ્રસિંહ ધોનીનો એક ચાહક મેચ પૂર્ણ થાય તે પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાનમાં ઘસી આવ્યો હતો. તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પહોચેલો ફેન માહીને ગળે મળવા માંગતો હતો. મેદાનમાં આવીને તેણે માહીને માથુ નમાવીને પ્રણામ કર્યાં હતા.

મહેન્દ્ર સિંહ ધોનીના જબરજસ્ત ક્રેઝનો અંદાજ એ બનાવ પરથી લગાવી શકાય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના ચાર વર્ષ પછી પણ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા હોય છે. 42 વર્ષીય મહેન્દ્રસિંહ ધોની હવે માત્ર આઈપીએલમાં જ રમીને તેના પ્રશંસકોને ખુશ કરી શકે છે. આ જ કારણ છે કે, દેશના કોઈપણ ખૂણામાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ યોજાય તો માત્ર પીળી જ જર્સી ધારણ કરેલા પ્રેક્ષકોથી ભરાયેલ સ્ટેડિયમ જોવા મળે છે.

એક તરફ ધોનીના ચાહકો ચેન્નાઈની ટીમની એક પછી એક વિકેટો પડવાથી દુઃખી અને હતાશ થતા હોય છે, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો ખુશ એ વાતે થાય છે કે, ‘થાલા’ એટલે કે માહી બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે.

ગઈકાલ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાત્રે રમાયેલ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ દરમિયાન, મહેન્દ્ર સિંહ ધોનીના એક ચાહકે હદ વટાવી દીધી હતી.

માહીના જબરજસ્ત ફેને, મેદાનમાં ગોઠવવામાં આવેલ તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પ્રવેશ્યો હતો અને પછી તેણે જે પણ કર્યું તેનાથી મોદી સ્ટેડિયમમાં હાજર રહેલા કે ઘરે બેસીને મેચ જોઈ રહેલા ધોનીના ચાહકો જ નહી, પરંતુ મેદાનમાં હાજર રહેલા અમ્પાયર અને ક્રિઝના સામે છેડે ઉભાલે શાર્દૂલ ઠાકુરનું પણ દિલ જીતી લીધું.

આ ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં બની હતી. ધોનીએ 20મી ઓવરમાં રાશિદ ખાનને ઉપરા ઉપરી બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. ત્યારે ધોનીનો ચાહક મોદી સ્ટેડિયમમાં કરાયેલ તમામ સુરક્ષા વ્યવસ્થા તોડીને મેદાનમાં પ્રવેશ્યો હતો. તે જેવો ધોનીની નજીક આવ્યો કે તરત જ, મેદાનની વચ્ચોવચ્ચ ધોનીને નમીને ચરણ સ્પર્શ કરે છે અને ધોનીને ગળે લગાવે છે. તે ધોનીને પ્રણામ કરીને માથું નમાવે છે તે દ્રશ્યવાળો વીડિયો ધોનીના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.