ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ અને સન્માન મળ્યા છે. મુસ્લિમ દેશો તરફથી પણ તેમને છ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. હાલમાંજ અમેરિકાએ તેમને લિજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા.
હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન લિજન ઓફ મેરિટ (Legion of Merit)થી સન્માનિત કર્યા હતા. મોદીને આ સન્માન ભારત-અમેરિકાના રાજકીય સંબંધો વધારવા માટે આપવામાં આવ્યું છે. વડાપ્રધાન તરફથી આ સન્માન અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ સ્વીકાર્યું હતું. ટ્રમ્પ તરફથી આ મેડલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ’બ્રાયને આપ્યો છે.
ભારત માટે અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીની આગેવાનીમાં તેમનો દેશ ગ્લોબલ પાવર બની રહ્યો છે. એ સાથે જ ભારતના વડાપ્રધાને અમેરિકા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બર 2019માં અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યું હતું. બિલ ગેટ્સના હસ્તે જ પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતું કે ભારતે સ્વચ્છતાની દિશામાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
ઓગષ્ટ 2019માં પીએમ મોદી બેહરીનની મુલાકાતે ગયા હતા. બેહરીનની મુલાકાત લેનારા તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન છે. ત્યાં તેમને ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ થી સન્માનિત કરાયા હતા. પીએમ મોદીએ બેહરીનના શાહ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહના પદ ગ્રહણ કર્યા બાદ દ્ધીપક્ષીય સહયોગની ગતિ અને દિશામાં મૌલિક ફેરફાર આવ્યો છે. માલદીવની છેલ્લી સરકારે ચીનના પ્રભાવમાં આવીને ભારત વિરોધી વલણ દાખવ્યું હતું.
રશિયાએ ૧૨ એપ્રિલ ૨૦૧૯ના દિવસે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. આ રશિયાનું સર્વોચ્ચ સન્માન છે, જે બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સબંધો તેમજ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આવ્યું હતું.
એપ્રિલ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુએઈના ક્રાઉન પ્રિંસ શેખ મહમદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.