ગણતંત્ર દિવસ ભારતનું એક રાષ્ટ્રીય પર્વ છે, જે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. ભારતને સ્વતંત્ર ગણરાજ્ય બનાવવાની દિશામાં 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં મુકવામાં આવ્યું હતું. જ્યારે દેશ 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના બંધારણની એક કોપી મોકલી હતી. ગણતંત્ર પર્વ પર જ્યારે દેશના વડાપ્રધાન મોદી રાજપથ પર વિદેશી મહેમાનો સાથે હાજર હતા ત્યારે કોંગ્રેસ બંધારણની કોપી વડાપ્રધાનને મોકલવા માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. કોંગ્રેસના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
આ ટ્વીટમાં જાણીતી શૉપિંગ વેબસાઈટ એમેઝોનમાંથી ભારતીય બંધારણની એક કોપી ખરીદી હોવાનો પણ એક સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, વડાપ્રધાન, ભારતીય બંધારણની આ કોપી ટૂંક જ સમયમાં તમારા સુધી પહોંચી રહી છે. દેશને વર્ગીકૃત કરવામાંથી સમય મળે તો આ વાંચી લેજો. કોંગ્રેસે બીજા પણ કેટલાક ટ્વીટ કરીને સંવિધાનની કેટલીક જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે. દેશનું બંધારણ દરેક વ્યક્તિના જીવનની સુરક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની ખાતરી આપે છે. સંવિધાન જ ન્યાયિક પ્રક્રિયાનું મહત્ત્વ સમજાવે છે. આપણું સંવિધાન વિચારો થોપી બેસાડવાને પ્રાધાન્ય નથી આપતું. દેશના નાગરિકોને પોતાની સુવિધા અનુસાર ધર્મને અનુસરવા અધિકાર આપવામાં આવ્યો છે. એમને બાંધીને રાખી શકાય એમ નથી.
એ જ દેશ મહાન બને છે, જ્યાં સદ્ભાવના અને ભેદભાવ રહિત સમાજનું નિર્માણ હોય. એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસે વડાપ્રધાન મોદીને CAAની સામે દિલ્હીના શાહિનબાગ વિસ્તારમાં થઈ રહેલા વિરોધને ધ્યાને લઈને સંવિધાનની કોપી મોકલી છે. છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમા મોટાભાગની મુસ્લિમ મહિલાઓ છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ મહિલાઓ આ વિસ્તારમાંથી દૂર નહીં હટે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અનેક વખત કહી ચુક્યા છે કે, આ કાયદો કોઈ પણ સ્થિતિમાં પરત ખેંચી શકાય એમ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.