ગુજરાતના દરિયામાંથી NCB અને નેવીએ સંયુક્ત ઓપરેશન કરી 2000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાત રાજ્ય જાણે હવે ડ્રગ્સનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, રાજ્યમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો જાણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સની સપ્લાય કરવા માટેનો મોકળો રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.અને આ કહેવાનું કારણ એવું છે કે, ડ્રગ્સ માફિયા અન્ય દેશમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવા માટે આ દરિયા કિનારાનો ઉપયોગ કરે છે. ગુજરાતના દરિયા કિનારાના ઉપયોગ ડ્રગ્સ માફિયા વધુ પ્રમાણમાં કરતા હોવાની માહિતી મળતાની સાથે પોલીસ કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી, NCB અને ગુજરાત ATS હવે સતર્ક બની છે. પોલીસની સતર્કતાના કારણે વધુ એક વખત અરબી સમુદ્રમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે.

રિપોર્ટ અનુસાર NCBને ગુજરાતના દરિયાઈ માર્ગમાંથી ડ્રગ્સની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. તેથી આ બાબતે NCB અને ઇન્ડિયન નેવી દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન NCB અને ઇન્ડિયન નેવીને 800 કિલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં મોટી સફળતા મળી હતી. અને એવી પણ માહિતી મળી રહી છે કે, 800 કિલો ડ્રગ્સની બજાર કિંમત 2000 કરોડ રૂપિયા થાય છે. એવી પણ આશંકા છે કે, ડ્રગ્સનો જથ્થો ઈરાન મોકલવાનો હતો. ત્યારે હાલ NCB દ્વારા આ ડ્રગ્સના જથ્થાને પોરબંદર ખાતે લાવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પોલીસ દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, આ ડ્રગ્સનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવતો હતો અને તે કોને આપવાનો હતો. તો બીજી તરફ NCBની વિશેષ ટીમ ગુપ્ત બાતમીના આધારે ઇન્ડિયન નેવીની મદદથી આ પ્રકારના એક પછી એક ઓપરેશન પાર પાડી રહી છે.અને એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ ઓપરેશનના કારણે પાકિસ્તાનમાં રહેલા ડ્રગ્સ સિન્ડિકેટને મોટો ફટકો પડયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.