નેપાળની સંસદે વિવાદિત નકશાને આપી મંજૂરી, બંધારણ સંશોધન બિલ પાસ થયું

રાજનાથ સિંહે જ્યારે લિપુલેખથી કૈલાસ માનસરોવર લઈ જતા નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું એટલે નેપાળના પેટમાં તેલ રેડાયેલું

નેપાળમાં નીચલી સંસદની પ્રતિનિધિ સભાએ દેશના નવા અને વિવાદિત નકશાને લઈ રજૂ કરવામાં આવેલા બંધારણ સંશોધન બિલને સર્વસંમતિથી પાસ કર્યું છે. ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે આ નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળે પોતાના ક્ષેત્રમાં દર્શાવ્યું છે. કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી શિવમાયા થુમ્ભાંગફેએ દેશના નકશામાં ફેરફાર માટે બંધારણ સંશોધન બિલ પર ચર્ચા માટે તેને રજૂ કર્યું હતું.

મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે
આ બંધારણ સંશોધન બિલને હવે મંજૂરી માટે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે મોકલવામાં આવશે અને તેઓ હસ્તાક્ષર કરશે તે સાથે જ નવો નકશો કાયદાકીય સ્વરૂપ ધારણ કરી લેશે. નેપાળની સંસદમાં મંગળવારે મોડી સાંજ સુધી નકશા મુદ્દે ચર્ચા જામી હતી. આ તરફ નેપાળી વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ ભારત સાથે ફરીથી ચર્ચા માટે વિનંતી કરી છે.

બિલ અગાઉ પાસ ન થવાનું કારણ
ગત મહીને સંસદમાં બંધારણ સંશોધન દરખાસ્ત રજૂ કરવાની હતી પરંતુ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતે આ મુદ્દે ચર્ચા કરવા સર્વદળીય બેઠક બોલાવવા માંગે છે તેમ જણાવ્યું હતું જેથી આગળ નહોતું વધી શકાયું. બિલમાં બંધારણની ત્રીજી અનુસૂચિમાં સામેલ નેપાળના રાજકીય નકશામાં ફેરફારનો પ્રસ્તાવ છે. બંધારણમાં સંશોધન માટે સંસદમાં બે-તૃતીયાંશ બહુમત જરૂરી છે.

જાણો શું હતો વિવાદ
ભારતના લિપુલેખ ખાતે માનસરોવર લિન્ક બનાવવાને લઈ નેપાળે આકરી પ્રતિક્રિયા આપી હતી અને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પોતાના ક્ષેત્રમાં આવતા હોવાનો દાવો કર્યો હતો. તેના જવાબમાં નેપાળે પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો જેમાં આ ત્રણેય ક્ષેત્રોને પોતાની સીમામાં દર્શાવ્યા હતા. જ્યારે આ નકશાને દેશની સંસદમાં પાસ કરાવવા માટે બંધારણમાં સંશોધનની વાત આવી તો તમામ પાર્ટીઓ એકજૂથ થઈ ગઈ હતી. તે સમયે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભારત મુદ્દે આકરૂં વલણ જાળવી રાખ્યું હતું.

રોડના જવાબમાં નવો નકશો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જ્યારે લિપુલેખથી કૈલાસ માનસરોવર લઈ જતા નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે નેપાળે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ 18 મેના રોજ નેપાળે નવો નકશો જાહેર કર્યો હતો.

નેપાળનો દાવો અસ્વીકાર્યઃ ભારત
ભારતે નેપાળના દાવા મામલે ક્ષોભ વ્યક્ત કર્યો હતો અને આ રીતે કૃત્રિમ રીતે વધારીને દાવો કરવામાં આવે તે અસ્વીકાર્ય ગણાશે તેમ કહી પાડોશી દેશને આવા અયોગ્ય દાવાઓથી બચવા ચેતવણી આપી હતી.

બંને દેશના સંબંધોમાં ભંગાણ
નેપાળના આ પગલાના કારણે તેના ભારત સાથેના સંબંધો પર ભારે અસર પડી છે અને ભારતે પોતે પોતાના સાર્વભૌમત્વ સાથે સમજૂતી નહીં કરે તેમ સ્પષ્ટ કરી દીધું છે. વિદેશ મંત્રાલયે સરહદ વિવાદનો ઉકેલ ચર્ચાના માધ્યમથી લાવવા આગળ વધવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નેપાળે પિથૌરાગઢ સરહદ પાસે વર્ષો જૂના એક રોડ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધું હતું. નેપાળ જ્યાં પોતાનો કબજો દર્શાવી રહ્યું છે ત્યાં આવેલો આ રોડ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.