નેપાળમાં તમામ ભારતીય ખાનગી ન્યૂઝ ચેનલ્સ પર પ્રતિબંધ, MSOsનો નિર્ણય

નેપાળી નેતૃત્વને લઈ ખરાબ છબિ રજૂ કરવામાં આવતા દૂરદર્શન સિવાય તમામ ચેનલ્સ પર પ્રતિબંધ, સત્તાવાર આદેશ બાકી

ભારત સાથેના તણાવ વચ્ચે નેપાળના કેબલ ઓપરેટર્સે પોતાના દેશમાં તમામ ભારતીય ખાનગી ન્યૂઝ ચેનલ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. જો કે તેમના આ પ્રતિબંધમાંથી દૂરદર્શનને બાકાત રાખવામાં આવ્યું છે. ભારતીય ન્યૂઝ ચેનલ્સ દ્વારા નેપાળના કવરેજને લઈ ઓનલાઈન સ્તરે ભારે ટીકાઓ થઈ તેને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે કારણ કે, તેમાં નેપાળી નેતૃત્વને લઈ ખરાબ છબિ રજૂ કરવામાં આવી હતી.

વિદેશી સમાચાર વિતરક સંગઠન મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સ (MSO) દ્વારા ભારતીય ખાનગી ન્યૂઝ ચેનલ્સ પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભારતના રાષ્ટ્રીય સમાચાર નેટવર્ક, દૂરદર્શનને છોડીને તમામ ખાનગી ચેનલ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નેપાળના સૂચના અને પ્રસારણ મંત્રી યુવરાજ ખાતિવાડાએ ગુરૂવારે સાંજે આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, નેપાળ રાજકીય અને કાયદાકીય ઉપાયો શોધી શકે છે. સાથે જ ભારતીય મીડિયા દ્વારા નેપાળની સંપ્રભુતા અને ગરિમા પર હુમલો કરવાના સમાચારો વિરૂદ્ધ રાજદ્વારી સ્તરે સવાલ કરી શકે છે.

જ્યારે ભારતની કેટલીક સમાચાર ચેનલ્સ પર વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને નેપાળના ચીની રાજદૂત હોઉ યાંકી સહિતના અનેક નેપાળી નેતાઓના ચરિત્રને લઈ સવાલો કરવામાં આવ્યા ત્યાર બાદ નેપાળમાં ભારતીય મીડિયા રિપોર્ટ્સ વિરૂદ્ધ નારાજગી જોવા મળી હતી. જો કે હજુ સુધી નેપાળ સરકાર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર આદેશ બહાર પાડવામાં નથી આવ્યો. ભારત અને નેપાળ વચ્ચે નેપાળના નવા નકશાને લઈ વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરહદ વિવાદના કારણે હાલ ભારત અને નેપાળના સંબંધોમાં તણાવ વ્યાપેલો છે. ગત 8 મેના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લિપુલેખથી ધારાચૂલા સુધી બનાવવામાં આવેલા એક નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે નેપાળે લિપુલેખને પોતાનો હિસ્સો ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 18 મેના રોજ નેપાળે પોતાનો નવો નકશો જાહેર કર્યો હતો જેમાં ભારતના ત્રણ ક્ષેત્ર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને પોતાનો હિસ્સો ગણાવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.