ગુજરાત માટે આગામી 24 કલાક ‘ભારે’: ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ધીમી ધારે વરસાદ, ખેડૂતોમાં ચિંતા…

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. વહેલી સવારે પડેલા ઝરમર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે અને કમોસમી વરસાદના કારણે ઘઉં, એરંડા, જીરું, બટાકા અને કેરીના પાકમાં મોટુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો છે અને આજે વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે પણ ભુજ, મિરઝાપર, સુખપર, માધાપરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં આજે કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. તો ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદી ઝાપટાથી ખેડૂતો મુકાયા ચિંતામાં મુકાયા છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને ખેડૂતો ચણા, ધાણા, ઘઉં જેવા તૈયાર પાકને લઇ ચિંતામાં જોવા મળી રહ્યા છે.

જામનગરમાં પણ આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આજે વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટા પડ્યા હતા.

રાજકોટમાં પણ આકાશમાં કાળા વાદળો છવાયા છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે સવારે ઠંડો પવન ફૂંકાયો હતો. મોડી રાત્રિના ઉકળાટ બાદ સવારે વાતાવરણ પલટાયું હતું અને આજે સવારે ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.