નિર્ભયા કાંડ ના આરોપીઓ ને ડેથ વોરંટ જાહેર થયાના સાત દિવસમાં ફાંસીએ લટકાવાશે

નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવાને લઇને તારીખ પે તારીખ પડી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે અને ફાંસીની સજાના કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવે તેવી અપીલ કરી છે. કેન્દ્રએ દાવો કર્યો છે કે વર્તમાન નિયમો એવા છે કે જેનો દુરુપયોગ કરીને અપરાધી બચવાનો પ્રયાસ કરે છે.

કેન્દ્ર સરકારની આ પિટિશન એવા સમયે સામે આવી છે જ્યારે નિર્ભયાના અપરાધીઓને ફાંસીએ લટકાવવામાં મોડુ થઇ રહ્યું હોવાની ફરિયાદ તેની માતા કરી રહી છે. સરકારે એવો દાવો કર્યો છે કે અપરાધીઓ નિયમોની સાથે રમત રમી રહ્યા છે. અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જેને ફાંસીની સજા આપવામાં આવી હોય તેને જે અધિકારો આપવામાં આવ્યા છે તે અંગે સુપ્રીમ કોર્ટ પોતાના અગાઉના ચુકાદામાં સુધારા કરે. સાથે જ એવી પણ માગણી કરી છે કે ક્યૂરેટિવ પિટિશનમાં પણ એક સમય મર્યાદા હોવી જરુરી છે.

સરકારે સાથે એવી પણ માગણી કરી છે કે જો કોઇને ફાંસીની સજા આપવામાં આવી હોય અને આવા સંજોગોમાં કોર્ટ દ્વારા ડેથ વોરંટ જારી થઇ જાય પછી માત્ર સાત જ દિવસમાં દયા અરજી કરી શકે તેટલી જ છુટછાટ આપવી જોઇએ. અને જો દયા અરજીને ફગાવી દેવામાં આવે તો તેવા કેસમાં સાત જ દિવસમાં ડેથ વોરંટ પણ જારી થઇ જવું જોઇએ જેથી આવા અપરાધીઓને વહેલા ફાંસીએ લટકાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.