ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. 11 ઓક્ટોબરના રોજ એકાએક કારણ આપ્યા વગર પરીક્ષા રદ્દ કરવા બાબતે એક પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગીની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો હતો અને અંતે કારણ શૈક્ષણિક લાયકાત વધારવાના કારણે પરીક્ષા રદ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે સરકાર મંત્રીઓ એક બીજા પર ખો આપી રહ્યા છે. ખૂદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને એવું કહી રહ્યા છે કે, ક્યા કારણે પરીક્ષા મુલતવી રખાઈ છે, તેની માહિતી અત્યારે મારી પાસે નથી.
આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે મને પણ હમણાં જાણવા મળ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા યોજાવાની હતી, તે મુલતવી રાખવામાં આવી છે. સરકાર તરફથી ગૌણ સેવા પ્રસંદગી મંડળને સુચના આપવામાં આવી છે કે, હમણા બીજો નિર્ણય ન થાય ત્યાં સુધી આ પરીક્ષા મુલતવી રાખવી, આ પ્રમાણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. ક્યા કારણે પરીક્ષા મુલતવી રખાઈ છે, તેની માહિતી અત્યારે મારી પાસે નથી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ આખી પ્રક્રિયા સામાન્ય વહીવટી વિભાગ અને શિક્ષણમંત્રી હસ્તક છે. સ્વભાવિક છે કે, અધિકારીઓ અને કર્મચારીઓ વધુ શિક્ષિત પ્રાપ્ત થાય તેમ કરવા માટે કદાચ સરકારે વિચારણા કરી હોય, પણ તેનું નક્કર કારણ મારા ધ્યાને નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.