નીતિન પટેલ સાથે વિવાદ થતા ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યએ ગૃહમાં માઇક ફેંક્યુ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી  એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, 150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપ્યો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસના સભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી’ ના સૂત્રોચ્ચારો કર્યા હતા. જેના બાદ ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રીના વિધાનો બાદ કોંગ્રેસના ધારાસભ્યો નારેબાજી સાથે વેલમાં ધસી આવ્યા હતા. આ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. મંત્રી ભૂપેન્દ્રસિંહે માઈક છુટ્ટુ ફેંકવા મુદ્દે ધારાસભ્ય સામે પગલાં ભરવા માગણી કરી હતી. જ્યારે ધારાસભ્ય નૌશાદ ગેલેરીના પગથિયા પર ધરણાં પર બેસી ગયા હતા. ભારે સમજાવટ બાદ નૌશાદ સોલંકીએ ધરણાં પૂરા કર્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.