નીતિશકુમાર પોતાના બિહારી શ્રમિકોને ગુંડા-લૂંટારા કેમ માને છે ? : તેજસ્વી

સ્થળાંતરિતોના મુદ્દે રાજદના પ્રહાર સામે નીતિશના પ્રધાને લાલુ યાદવને ભ્રષ્ટાચારના ‘મહામંડલેશ્વર’ કહ્યા

રાજદ નેતા તેજસ્વી યાદવે સ્થળાંતરિત શ્રમિકો વિષેના વિવાદાસ્પદ પરિપત્રના મુદ્દે નીતિશકુમાર સરકાર પરનો હલ્લો ચાલુ રાખ્યો છે. આ પરિપત્ર પાછળથી રાજ્યના પોલીસ વડામથક દ્વારા પાછો ખેંચી લેવાયો હતો, જેના પગલે રાજ્યના શાસક પક્ષ જેડી(યુ)એ એનું મૌન તોડીને વિપક્ષ સામે ખાંડા ખખડાવ્યા હતા.

તેજસ્વી યાદવે  એમના  પક્ષ રાજદના વડામથકે મોટા  અક્ષરોમાં લખેલા ઉપરોક્ત પરિપત્ર સાથેનું વિશાળ બેનર લગાવ્યું છે. ૨૯ મેએ પ્રસિધ્ધ કરાયેલા પરંતુ ૪ જુને પરત ખેંચાયેલા આ પરિપત્રમાં, લોકડાઉન દરમિયાન મોટા પ્રમાણમાં બિહારમાં પરત આવેલા સ્થળાંતરિત શ્રમિકોના સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ વિષે જિલ્લાઓને સતર્ક રહેવા જણાવાયું હતું. વળી, રાજ્ય સરકારના અવિરત પ્રયાસો છતાં આ શ્રમિકોની આર્થિક આત્મનિર્ભરતાની શક્યતા ઘણી ઓછી હોવાનો ઉલ્લેખ પણ પરિપત્રમાં કરાયો છે. એની સાથે જ,  લખાણ છે : નીતિશકુમાર આ પરિપત્રના મુદ્દે જવાબ આપવા બંધાયેલા છે.

વળી, બેનરમાં એની  નીચે પ્રશ્નો પૂછાયા છે : નીતિશકુમાર સ્થળાંતરિત શ્રમિકોને ગુંડા સમજીને કેમ ચાલે છે ? આ શ્રમવીરો નીતિશકુમારને ગુન્હેગારો કેમ લાગે છે ? નીતિશકુમાર શ્રમિકોને લૂંટારા કેમ કહે છે ? શ્રમિકોને રોજગારી પૂરી પાડવાના મુદ્દે નીતિશકુમાર પીછેહઠ કેમ કરી ગયા ?

પરિપત્ર પાછો ખેંચવા છતાં ધર્મસંકટની પરિસ્થિતિમાં મૂકાઇ ગયેલી બિહાર સરકારના પોલીસ વડાએ પણ સ્પષ્ટતા કરી હતી, જ્યારે સરકારે તેજસ્વી યાદવને ઝાટક્યા હતા.

રાજ્યના માહિતી અને  જનસંપર્ક પ્રધાન નીરજકુમારે તેજસ્વી યાદવ દ્વારા કરાયેલા ‘શ્રમવીર’ શબ્દ પ્રયોગ બદલ એમની ઠેકડી ઉડાવીને,  તેજસ્વીને ‘ભ્રષ્ટાચાર વીર’  ગણાવ્યા છે.  તેજસ્વીની બ્રાન્ડના ભ્રષ્ટાચારના મહામંડલેશ્વર (લાલુપ્રસાદ યાદવ) ચારા કૌભાંડ કેસમાં ભ્રષ્ટાચાર બદલ રાંચી જેલની હવા ખાય છે, એમ નીરજકુમારે ઉમેર્યુ છે. હમણાં જો કે, લાલુને તબિયતના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.