નીતિશ કુમારની મોટી જાહેરાત, દલિત-જનજાતિમા એસસી-એસટીમાં કોઇની હત્યા થશે તો વારસદારને નોકરી આપીશું

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે એવી જાહેરાત કરી હતી કે દલિત કે જનજાતિની કોઇ વ્યક્તિની હત્યા થશે તો એના વારસદારને અમે સરકારી નોકરી આપીશું.

બિહાર વિધાનસભાની ચૂંટણી તોળાઇ રહી હતી ત્યારે નીતિશ કુમારે દલિતોના મત મેળવવા આ લોલીપોપ ધરી હતી. પોતે કરેલા વાયદાના અમલ માટે નીતિશ કુમારે પોતાના સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી કે કાયદામાં જરૂરી ફેરફાર કરો અથવા કોઇ નવો કાયદો ઘડી કાઢો.

નીતિશ કુમાર શુક્રવારે દલિત-જનજાતિ (અત્યાચાર નિવારણ ) ધારા 1995 અન્વયે રાજ્યકક્ષાએ સતર્કતા અને મોનિટરીંગ સમિતિની બેઠકના અધ્યક્ષપદે બોલી રહ્યા હતા.

અત્રે એ યાદ રહે કે બિહારમાં દલિત નેતા જીતન રામ માંઝી એનડીએમાં જોડાઇ ગયા ત્યારબાદ કેટલાક રાજકીય પક્ષોની ઊંઘ ઊડી ગઇ હતી. ખાસ કરીને લોક જનશક્તિ પાર્ટી (લોજપ)ના ચિરાગ પાસવાન અને એના પિતા રામ વિલાસ પાસવાન એનડીએ છોડીને સ્વતંત્ર રીતે લડવાની વાતો કરતા થઇ ગયા હતા. લાલુ પ્રસાદ યાદવના રાજદ પક્ષે એવો દાવો કર્યો હતો કે માંઝીએ અમારો સાથ છોડી દીધો એની અમને ચિંતા નથી. અમારી પાસે  બીજા ઘણા દલિત નેતાઓ છે.

હવે નીતિશ કુમારે માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. નીતિશ કુમારે આ બેઠકમાં એવી જાહેરાત પણ કરી હતી કે દલિત-જનજાતિના લોકો પર થયેલા અત્યાચારોના જે કેસ વિલંબમાં પડ્યા હોય એને 20 સપ્ટેંબર સુધીમાં  પતાવી નાખો. તેમણે દલિત અને જનજાતિ મંત્ર્યાલયના સચિવ પ્રેમકુમાર મીણાને આવા કેસોનો ત્વરિત નિકાલ લાવવાનો આદેશ આપ્યો હતો.

આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝી, અનુસૂચિત જાતિ-જનજાતિ ખાતાના પ્રધાન રમેશ ઋષિદેવ અને સાંસદ વિજય માંઝી સહિત અન્ય કેટલાક લોકો હાજર હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.