ગુજરાત કેડરના નિવૃત્ત આઈપીએસ અધિકારી રમેશ જે. સવાણીએ એફબી પોસ્ટ અપના અડ્ડા નામના ગ્રૂપમાં ગૃહ વિભાગના ભ્રષ્ટચારનો મામલો ઉઠાવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. આ અધિકારીએ લખ્યું છે કે, ગુજરાત પોલીસમાં કરપ્શન ટોચે પહોંચ્યું છે. આપણે ત્યાં કરપ્શનને નાથવા માટે એસીબી- એન્ટિ કરપ્શન બ્યૂરો છે, આ બ્યૂરોના અધિકારીઓ પણ પોલીસ વિભાગના જ હોય છે એટલે કે કરપ્શનના રંગે રંગાયેલા હોય છે. કોન્સ્ટેબલ લાંચ લે છે તે તો હિમશિલાની માત્ર ટોચ છે, માટું કરપ્શન તો આઈપીએસ અધિકારીઓ કરે છે, આ કરપ્શન પર્કોલેટ થતું નીચેના સ્તરે ઊતરે છે, કરપ્ટ આઈપીએસ અધિકારીઓ શરમ રાખ્યા વિના કરપ્શન કરે છે, તક મળે તો પાછા મળતા નથી, તક ન હોય તો ઊભી કરે. ૧૦૦ આઈપીએસ અધિકારીઓમાંથી માત્ર ૧૦ અધિકારીઓ ઓનેસ્ટ હોય છે. આવું જ આઈએએસ અધિકારીઓનું છે.
નિવૃત્ત આઈપીએસ સવાણીએ લખ્યું છે કે, કોન્સ્ટેબલની ટ્રેનિંગમાં એક રાઉન્ડ ઓછું રનિંગ કરાવવા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી પૈસા પડાવે. બેઝિક તાલીમમાં કરપ્શનનો ભોગ બનનાર કોન્સ્ટેબલ કઈ રીતે નાગરિક સાથે સારો વ્યવહાર કરે? કેટલાક આઈપીએસ અધિકારીઓ નોન કરપ્ટ હોવાનો આબાદ ઢોંગ કરે છે. ગુજરાત કેડરના એક આઈપીએસ અધિકારીએ વડોદરામાં ૩૦૦ કરોડની લાંચ લીધેલ અને તેની ઈન્કવાયરી સીબીઆઈમાં ચાલતી હતી છતાં આ કરપ્ટ અધિકારીની નિમણૂક સીબીઆઈમાં થઈ હતી.
સવાણીએ લખ્યું છે કે, કહેવત છે : કઢી અભડાય, દૂધપાક નહિ. નાનો પકડાય, મોટો નહિ. સમરથ કો નહીં દોષ ગુસાંઈ! પોલીસમાં કરપ્શનની ગંગોત્રી વહે છે, સરમથને એસીબી પકડી શકતી નથી, નાના કર્મચારીઓ-નાના અધિકારીઓ પકડાય છે. કરપ્શનનું કારણ શું છે? પગાર ઓછો પડે છે? મોરારીબાપુઓ-પાંડુરંગ શાસ્ત્રીઓ-પ્રગટ બ્રહ્મસ્વરૂપોના ઉપદેશો બિલકુલ અસરહીન છે? માણસનો સ્વાર્થ બળૂકો બન્યો છે? કળિયુગનાપ્રભાવ છે? કારણ શું છે ? મહત્ત્વનું કારણ ભ્રષ્ટ નેતૃત્ત્વ છે. જ્યારે નેતૃત્ત્વ સડેલું હોય ત્યારે કરપ્શન વધે, ઘટે નહિં. વહીવટમાં કરપ્શનનો વ્યાપ ખૂબ જ છે. લોકોની સેવા માટે સરદાર પટેલે ઓલ ઈન્ડાય સર્વિસનો પાયો નાંખ્યો હતો, પરંતુ સરદારની એ ભાવનાનો આપણી બ્યૂરોક્રસીએ ભૂક્કો બોલાવી દીધો છે. ગુજરાત પોલીસ સર્વિસ અને ઈન્ડિયન પોલીસ સર્વિસના અધિકારીઓ લોકોની સેવા માટે છે કે કરપ્શન માટે છે? ‘પોલીસ’ શબ્દની પાછળ ‘સર્વિસ’ મૂકી શકાય?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.