નવેમ્બર વલણના અંતે RILની આગેવાનીમાં નવો વિક્રમ ; સેન્સેક્સ 110 પોઈન્ટ ઉછળીને 41,130 નવી ઐતિહાસિક ઊંચાઈએ

ડેરિવેટીવ્ઝમાં આજે નવેમ્બર વલણનો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં વિક્રમી તેજીએ અંત આવ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ, ટેલીકોમ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે એક તરફ ડિસેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં ટ્રેડ ડીલ થઈ જવાની અપેક્ષાએ અમેરિકી બજારોમાં વિક્રમી તેજી જોવાયા બાદ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોંગકોંગ બિલ પર હસ્તાક્ષર કરવાથી ચાઈના નારાજ થયાનું અને ફરી ટ્રેડ ડીલ વિલંબમાં પડવાના સંકેતે વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી જોવાયા છતાં  ભારતીય શેર બજારોમાં આજે ફંડોએ સેન્સેક્સ-નિફટી બેઝડ વિક્રમી તેજીને આગળ વધારી હતી. કેલેન્ડર વર્ષ પૂરૂ થવાને હવે એક મહિનો રહી ગયો હોઈ ફોરેન ફંડોની શેરોમાં સતત આકર્ષક વેલ્યુએશને લેવાલી જળવાઈ હતી.

ભારતમાં આર્થિક વિકાસ મંદ પડયાના પડકારો છતાં નવું વર્ષ ૨૦૨૦ શેરોમાં અસાધારણ-અકલ્પનિય તેજીનું બની રહેવાના અમુક ફંડો-સમીક્ષકોના અનુમાન વચ્ચે આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વિક્રમી તેજીની દોટ સાથે ઈન્ડેક્સ બેઝડ ઐતિહાસિક તેજીને આગળ વધારી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, ઓઈલ-ગેસ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ટેલીકોમ શેરોમાં લેવાલીએ અફડાતફડીના અંતે સેન્સેક્સ ૧૦૯.૫૬ પોઈન્ટ વધીને ૪૧૧૨૦.૧૭ અને નિફટી સ્પોટ ૫૦.૪૫ પોઈન્ટ ઉછળીને ૧૨૧૫૧.૧૫ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યા હતા.

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. આરંભમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીમાં ફંડોએ લેવાલી કરતાં સેન્સેક્સ આગલા બંધ ૪૧૦૨૦.૬૧ સામે ૪૧૧૬૧.૫૪ મથાળે ખુલ્યો હતો. જે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે ફંડોની મેટલ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતના મેટલ-માઈનીંગ શેરો તેમ જ ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતના આઈટી શેરોમાં આકર્ષણે ૪૧૧૫૦ નજીક પહોંચ્યો હતો.

જે વધ્યામથાળેથી ફંડોની એચડીએફસી લિમિટેડ, એક્સીસ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંકમાં વેચવાલી સાથે હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતના ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી થતાં અને સન ફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવરની નરમાઈએ ૪૧૦૦૦ની અંદર આવી જઈ નીચામાં ૪૦૯૯૬.૦૮ સુધી આવ્યો હતો. જે ઘટયામથાળેથી પાછો ફરીને ૪૧૧૬૩.૭૯ નવો ઈતિહાસ રચીને અંતે ૧૦૯.૫૬ પોઈન્ટ વધીને ૪૧૧૩૦.૧૭ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૨૧૫૮ નવી ઐતિહાસિક ટોચ બનાવી અંતે ૫૦ પોઈન્ટ વધીને ૧૨૧૫૧ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૧૦૦.૭૦ સામે ૧૨૧૩૨.૧૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ૧૨૧૪૦ નજીક પહોંચ્યા બાદ નીચામાં ૧૨૦૯૯.૯૫ સુધી આવી બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા, ટાટા સ્ટીલ સાથે ટેલીકોમ શેરોમાં ઈન્ફ્રાટેલ, ભારતી એરટેલ સહિતમાં આકર્ષણે અને યુપીએલ, ગ્રાસીમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો, ગેઈલ ઈન્ડિયા, નેસ્લે ઈન્ડિયા તેમ જ આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી સહિતમાં લેવાલીએ એક તબક્કે ઉપરમાં ૧૨૧૫૮.૮૦ નવી રેકોર્ડ ઊંચાઈ બનાવી અંતે ૫૦.૪૫ પોઈન્ટ વધીને ૧૨૧૫૧.૧૫  નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.

બેંક નિફટી નવેમ્બર ફયુચર વધીને ૩૨,૧૨૨ સેટલ ; ડિસેમ્બર બેંક નિફટી ફયુચર ૩૧,૯૭૬ થી વધીને ૩૨,૧૫૯

ડેરિવેટીવ્ઝમાં આજે નવેમ્બર વલણનો અંત વિક્રમી તેજીએ આવ્યો હતો. નિફટી બેઝડ ફંડોએ તેજીના મોટા ઓળીયા ડિસેમ્બરમાં રોલઓવર કર્યાની ચર્ચા હતી. બેંક નિફટી નવેમ્બર ફયુચર ૧,૩૫,૬૨૩ કોન્ટ્રેકટસમાં રૂ.૮૬૯૦.૨૩ કરોડના કામકાજે ૩૧,૮૭૨.૩૫ સામે ૩૧,૮૭૪.૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૮૭૪.૨૫ થઈ વધીને ૩૨,૧૪૩.૩૦ સુધી જઈ અંતે ૩૨,૧૨૨.૫૦ સેટલ થયો હતો.

બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૯૩,૨૧૭કોન્ટ્રેકટસમાં રૂ.૫૯૮૭.૫૫ કરોડના કામકાજે ૩૧,૯૭૬.૧૦ સામે ૩૨,૦૦૫.૩૦ મથાળે ખુલીને નીચામાં ૩૧,૯૮૧.૪૦ થઈ વધીને ૩૨,૧૯૯.૮૦ સુધી પહોંચી અંતે ૩૨,૧૫૯.૭૫ રહ્યો હતો.  નિફટી પ,ડિસેમ્બરના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૨૦૦નો કોલ ૪૭.૧૫ સામે ૪૬.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૫૫ અને નીચામાં ૩૫.૬૦ સુધી આવી અંતે ૪૬.૧૦ રહ્યો હતો. નિફટી ૧૨,૩૦૦નો કોલ ૧૯.૮૦ સામે ૧૭.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૩ અને નીચામાં ૧૩.૨૦ સુધી આવી અંતે ૧૬.૪૦ રહ્યો હતો.

નિફટી નવેમ્બર ફયુચર ૧૨,૧૫૧ થી વધીને ૧૨,૧૮૬ સેટલ ; ડિસેમ્બર નિફટી ફયુચર ૧૨,૧૦૮ થી વધીને ૧૨,૧૫૧

નિફટી નવેમ્બર ફયુચર ૧,૧૦,૨૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૦૬૧.૪૩ કરોડના કામકાજે ૧૨,૧૫૧.૯૦ સામે ૧૨,૧૬૪.૩૫ મથાળે ખુલીને નીચામાં ૧૨,૧૪૨.૫૦ થઈ વધીને ૧૨,૧૯૬.૦૫ સુધી પહોંચી અંતે ૧૨,૧૮૬ સેટલ થયો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૦૭,૪૮૭ કોન્ટ્રેકટસમાં રૂ.૯૭૭૨.૮૪ કરોડના કામકાજે ૧૨,૧૦૮.૫૫ સામે ૧૨,૧૧૯.૮૫ મથાળે ખુલીને નીચામાં ૧૨,૦૯૬.૨૫  સુધી આવી વધીને ૧૨,૧૫૭.૯૦ થઈ અંતે ૧૨,૧૫૧.૨૦ રહ્યો હતો. નિફટી પ,ડિસેમ્બરના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૨,૦૦૦નો પુટ ૪૦.૪૦ સામે ૩૫.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૯ થઈ ઘટીને ૨૫.૨૦ સુધી આવી અંતે ૨૬.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૭૪.૯૫ સામે ૭૨.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૭૬.૯૫ થઈ ઘટીને ૫૧.૯૫ સુધી આવી અંતે ૫૨.૯૫ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫૮૪ નવી ઐતિહાસિક ટોચે ; માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૦,૦૧,૫૫૫ કરોડ પહોંચ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજે રૂ.૧૦ લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. કંપનીના શેરનો ભાવ આજે રૂ.૧૦.૨૦ વધીને રૂ.૧૫૭૯.૯૫ નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી જવા સાથે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.૧૦,૦૧,૫૫૫.૪૨ કરોડ પહોંચી ગયું છે.

કંપનીના શેરનો ભાવ આ વર્ષમાં અત્યાર સુધીમાં ૪૧ ટકા  વધી ગયા સાથે છેલ્લા ૨૫ દિવસમાં જ કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯ લાખ કરોડથી એક લાખ કરોડ વધીને રૂ.૧૦ લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. જે ૨૮૪ ટ્રેડીંગ દિવસમાં રૂ.૮ લાખ કરોડથી વધીને રૂ.૯ લાખ કરોડ પહોંચ્યું હતું. ઓઈલ થી ટેલીકોમ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ ડી.અંબાણીની પોતાની નેટવર્થ આજે વધીને ૬૦.૭ અબજ ડોલરથી વધુ થઈ છે.

બેંકિંગ શેરોમાં સતત તેજી ; ફેડરલ બેંક, આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ શેરોમાં આજે ફંડોની સતત લેવાલી રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૨૭.૫૯ પોઈન્ટ ઉછળીને ૩૬૪૩૭ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૩.૪૫ વધીને રૂ.૯૦.૮૫, આરબીએલ બેંક દ્વારા રૂ.૧૫૦૦ કરોડ ઊભા કરવાની યોજનાએ શેરમાં સતત બીજા દિવસે લેવાલીએ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૩૮૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૫૧૯.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૧ વધીને રૂ.૧૫૬૮.૬૫, યશ બેંક રૂ.૧.૮૦ વધીને રૂ.૭૦.૦૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૩૫ વધીને રૂ.૩૪૮.૯૫, સિટી યુનિયન બેંક રૂ.૧.૪૦ વધીને રૂ.૨૨૦.૬૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૧૦ વધીને રૂ.૬૪.૮૦, કોર્પોરેશન બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૨૫.૩૦, જે એન્ડ કે બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૩૪.૩૫, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૂ.૩.૬૫ વધીને રૂ.૫૯.૮૫, પીએનબી રૂ.૩.૨૫ વધીને રૂ.૬૬.૯૫ રહ્યા હતા.

ફાઈનાન્સ શેરોમાં તેજી ; ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈ., IIFl,L&TFIN., જેએમ ફાઈનાન્સિયલ, LICFIN. ઉંચકાયા

ફાઈનાન્સ શેરોમાં આજે ફરી વ્યાપક લેવાલી થઈ હતી. ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૬૬.૧૦ ઉછળીને રૂ.૩૩૪.૨૦, આઈઆઈએફએલ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૧૭૦.૭૦,  એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ રૂ.૬.૮૫ વધીને રૂ.૧૧૪.૫૦, ઈક્વિટાસ રૂ.૫.૭૦ વધીને રૂ.૧૦૧.૫૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૮૫ વધીને રૂ.૮૮.૬૦, એલઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૩.૩૫ વધીને રૂ.૪૬૭.૨૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૭૦ વધીને રૂ.૩૫.૦૫, આઈબી વેન્ચર્સ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૭૭.૯૫,જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪.૭૦ વધીને રૂ.૧૫૭.૬૫, એસબીઆઈ લાઈફ રૂ.૨૨.૫૦ વધીને રૂ.૯૭૦.૬૦, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૮.૮૦ વધીને રૂ.૫૫૩.૪૫ રહ્યા હતા.

સ્ટીલના ભાવો વધતાં મેટલ શેરોમાં તેજી ; જેએસડબલ્યુ, નાલ્કો, જિન્દાલ, એનએમડીસી, સેઈલ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે સતત ફંડોની લેવાલી રહી હતી. યુ.એસ.સ્ટીલ કંપની તેમ જ આર્સેલર મિત્તલ દ્વારા તાજેતરમાં સ્ટીલના ભાવોમાં વધારો કરાતાં અને વૈશ્વિક મેટલના ભાવોની મજબૂતીએ આજે ફંડો લેવાલ રહ્યા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૨૬૩.૯૫, નાલ્કો રૂ.૧.૬૫ વધીને રૂ.૪૫.૪૦, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૬૫.૦૫, એનએમડીસી રૂ.૩.૧૫ વધીને રૂ.૧૦૪.૯૫, સેઈલ રૂ.૧ વધીને રૂ.૩૯.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૪૩૨, કોલ ઈન્ડિયા રૂ.૪.૯૦ વધીને રૂ.૨૦૫.૮૫, હિન્દસ્તાન ઝિંક રૂ.૨.૪૫ વધીને રૂ.૨૧૫.૦૫, હિન્દાલ્કો રૂ.૧.૦૫ વધીને રૂ.૨૦૪ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૮.૯૨ પોઈન્ટ વધીને ૯૯૦૮.૧૦ બંધ રહ્યો હતો.

રૂપિયા સામે ડોલર આજે ૨૬ પૈસા ઉછળીને રૂ.૭૧.૬૧ ; માસ્ટેક રૂ.૨૮ ઉછળીને રૂ.૪૦૪ ; ટીસીએસ, ઈન્ફોસીસ વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફરી વ્યાપક તેજી જોવાઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૨૬ પૈસા વધીને રૂ.૭૧.૬૧ રહ્યો હતો. આઈટી શેરોમાં માસ્ટેક રૂ.૨૮.૧૫ ઉછળીને રૂ.૪૦૩.૭૦, એમ્ફેસીસ રૂ.૨૨.૩૦ વધીને રૂ.૮૫૫.૦૫, હેક્ઝાવેર રૂ.૫.૩૦ વધીને રૂ.૩૪૫.૪૦, ટીસીએસ રૂ.૨૩.૯૦ વધીને રૂ.૨૦૭૭.૩૫, ઈન્ફોસીસ રૂ.૫.૬૦ વધીને રૂ.૭૧૦.૬૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૩.૫૫ વધીને રૂ.૬૭૯.૨૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩.૭૫ વધીને રૂ.૧૧૩૨.૬૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં તેજી  ; ૧૨૫૭ પોઝિટીવ બંધ ; ૨૨૫ શેરોમાં મંદીની સર્કિટ, ૨૧૭ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ-નિફટી બેઝડ વિક્રમી તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓનું આજે શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ આંશિક પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૮૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૫૭ અને ઘટનારની સંખ્યા ૧૨૨૬ રહી હતી. ૨૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૨૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs\FIIની કેશમાં વધુ રૂ.૧૦૦૯ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૧૫૫ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૦૦૮.૮૯કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૫૨૫૦.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૪૧.૯૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૫૫.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૪૧૩૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૨૮૭.૪૭ કરોડની વેચવાલી થયેલી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.