હવે અમદાવાદથી ધોલેરા માત્ર 1 કલાકમાં જ પહોંચી જવાશે.

અમદાવાદ અને ધોલેરાને જોડતો છ લેનનો એક્સપ્રેસ હાઇવે આગામી 18 મહિનામાં પૂર્ણ થઇ જશે અને આ બન્ને શહેર વચ્ચેનું અંતર માત્ર એક કલાકમાં કપાશે. આ હાઇવે માટેનું પ્રથમ ટેન્ડર બહાર પડી ગયું છે, જેની કામગીરી જાન્યુઆરી 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે અને જુલાઇ 2024માં પૂર્ણ થશે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર હરિત શુક્લાએ જણાવ્યું હતું કે હાઇવે ઉપરાંત ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ માર્ગ પહોળા કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. વધારે મંજૂરીઓ માટે દિલ્હીમાં બેઠક યોજાવાની છે.

હરિત શુક્લાએ માહિતી આપતાં કહ્યું હતું કે હાઇસ્પીડ એમઆરટીએસ (માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) માટે જમીન સંપાદન કરવામાં આવી છે જેને દિલ્હી મુંબઇ ફ્રેઇટ કોરિડોર સાથે રેલવેલાઇન સાથે કનેક્ટ કરવામાં આવશે. રેલવે કનેક્ટિવિટી પ્રાપ્ત થયા બાદ લોજીસ્ટીક પાર્ક અને મસ્ટી મોડલ હબ પ્રોજેક્ટ્સનું નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટ માટે જાન્યુઆરીમાં સમજૂતી કરાર પણ કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે ન્યૂ એજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્ડ સિટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે જેના દ્વારા લેન્ડ ટાઇટલ ક્લિયરન્સ સાથે મોટી જમીનો, એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ, પ્લગ એન્ડ પ્લે ફેસેલિટી, સૌથી ઓછા વીજદર, કનેક્ટિવિટી જેવી તમામ સુવિધા પુરી પાડવામાં આવશે. ધોલેરા સિટી એરોસ્પેસ, એન્જીનિયરીંગ, ઓટો પાર્ટ્સ, ફાર્મા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફુડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી જેવા ઉદ્યોગો માટે પોટેન્શિયલ ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.