હવે CM નિવાસસ્થાન અને તેમના 191 કરોડના વિમાનમાં ઊંદરો ઘૂસી નહીં શકે

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જીયરીગના સ્ટાર્ટ અપ દ્વારા તૈયાર કરાયેલા એક મશીનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલામાં લગાવવામાં આવ્યું છે અને સાથે જ એરપોર્ટ પર સીએમના 191 કરોડના પ્લેનની સુરક્ષા માટે પણ આ ઇનોવેશન મશીન લગાવવામાં આવ્યું છે જે ઉંદરોથી થતાં નુકશાનને અટકાવામાં કામ આવે છે અને તેમને ભગાડે છે.

ટેક્નોલોજી યુનિવર્સિટીના કમ્પ્યૂટર એન્જીયરીંગના વિદ્યાર્થી ભરત પરમારનું સ્ટાર્ટ અપ છે. ભરત પરમાર જણાવે છે કે આ એક એવું મશીન છે જેમાં 300 પ્રકારના રસેલ વાઈપરની સાઉન્ડ ફ્રિકવન્સી ફિટ છે. આ ફ્રિકવન્સી ઓટોમેટિક ચેન્જ થયા કરે છે જેના સાઉન્ડથી ઉંદર ઇરિટેટ થઈ જાય છે અને તે દૂર ભાગે છે.

આ પ્રકારના મશીનની આવશ્યકતા સચિવાલયના વિભાગોમાં પણ છે કેમ કે આ કચેરીઓમાં બંદરો અને શ્વાનના ત્રાસ ઉપરાંત ઉંદરોનો ઉપદ્રવ વધી ચૂક્યો છે. ઉંદરોનો ત્રાસ તો સચિવાયલ બન્યું ત્યારથી જોવા મળી રહ્યો છે. તે ફાઇલોને તો નુકશાન કરે છે પરંતુ કોમ્પ્યુટરમાં ઘૂસીને વાયરોની તોડફોડ કરીને વધારે નુકશાન કરાવે છે. ઉંદરો વધવાનું કારણ આપતાં એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સચિવાલયનું નિર્માણ ખેતરોમાંથી થયું છે તેથી જમીનમાંથી તેઓ બહાર આવે છે.

બીજું અને મહત્વનું કારણ આપતાં તેઓ જણાવે છે કે સવારે 10 વાગ્યે ઓફિસમાં આવી જતા અધિકારીઓ અને કર્મચારીઓ બપોરનું ભોજન અને સાંજનો નાસ્તો સચિવાલયમાં કરતા હોવાથી ઉંદરોને ભરપૂર ભોજન પણ મળી રહે છે. આ ઉંદરો માત્ર ગ્રાઉન્ડફ્લોર પર જ નહીં નવમા માળે આવેલી ઓફિસમાં પણ જોવા મળી રહ્યાં છે. ઘણી જગ્યાએ ઉંદર પકડવાના પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને વિમાનમાં આ મશીન મૂકવામાં આવ્યું છે તેવું મશીન સચિવાલયના વિભાગોમાં પણ મૂકવામાં આવે તેવી માગણી કર્મચારી યુનિયનો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર સચિવાલયમાં સ્ટેશનરી પાછળ ખર્ચ કરે છે જેથી આ પ્રકારનું મશીન જો કામ લાગતું હોય તો તેને મૂકવાથી ઉંદરોથી થતાં નુકશાનને બચાવી શકાય તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.