NRCની આસામમાં ખરાબ અસર, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારાઓની સંખ્યામાં 50%નો વધારો

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી ચોંકવનારા આંકડા સામે આવી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના આંકડા અનુસાર, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ જનારાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018માં ગેરકાયદેસરરીતે બોર્ડર ક્રોસ કરી રહેલા 2971 લોકોની બોર્ડર સિક્યોરિટી ફોર્સે ધરપકડ કરી હતી. વર્ષ 2017માં આ આંકડો 1800નો રહ્યો. બોર્ડર પાર કરનારા લોકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા. ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં 1532 પુરુષો, 749 મહિલાઓ અને 690 બાળકોની બોર્ડર સિક્યોરિટી ફોર્સે ધરપકડ કરી હતી.

બીજી તરફ, બાંગ્લાદેશથી ભારત આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો છે. વર્ષ 2017માં 1180 અને વર્ષ 2018માં 1118 લોકોએ ભારત તરફ ડગ ભર્યા હતા. અંગ્રેજી અખબારના એક રિપોર્ટ અનુસાર, એક વાત અહીં સ્પષ્ટ થાય છે કે, બોર્ડર પાર કરનારા લોકો કોઈ ચોક્કસ હેતુથી સીમા પાર કરી રહ્યા છે. વર્ષ 2017થી બોર્ડર પાર કરતા લોકોની સંખ્યાનો આંકડો જાહેર કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનની બીજી યાદી જાહેર થયા બાદ બોર્ડર પાર કરતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. NRCની બીજી ડ્રાફ્ટ કોપી તા. 30 જુલાઈ, 2018ના રોજ જાહેર કરવામાં આવી છે. જે અંર્તગત 40 લાખ લોકોને યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.

NRCના ફાયનલ લિસ્ટમાં આશરે 20 લાખ લોકોને બાહર રાખવામાં આવ્યા છે. ભારતમાંથી કાઢી મુકવાના ભયથી કેટલાક લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરી રહ્યા છે. આસામ રાજ્યમાં આ અસર સૌથી વધુ જોવા મળી રહી છે. આસામમાં રહેતા લોકો રાજ્ય સરકારના સેવા કેન્દ્ર પર જઈને પણ પોતાનું નામ તપાસી શકે છે. કેટલાક લોકો એવા પણ હતા જેઓ આસામમાં રહેતા હતા પણ જરૂરી દસ્તાવેજ ન હોવાને કારણે એમનું નામ આ યાદીમાં આવ્યું ન હતું. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આસામમાં રહેતા લોકોને ખાતરી આપી હતી કે, યાદીમાં નામ નહીં હોય તો પણ કોઈ વ્યક્તિની અટકાયત થશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.