વિધાનસભામાં સીએએ એમેન્ડમેન્ટ બિલના પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વાંધા સાથે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, લોકસભામાં ગૃહમંત્રી જાહેરાત કરે છે કે દેશની અંદર એનઆરસી લાગુ કરવામાં આવશે. પહેલાં સીએએ એકટ બનાવવામાં આવશે અને પછી એનઆરસી લાગુ કરવામાં આવશે. પછી વડાપ્રધાનજાહેરસભાની અંદર કહે છે કે એનઆરસી બાબતે કોઈ ચર્ચા થઈ નથી એટલે લોકોની અંદર જે ભ્રમણા ઉભી થઈ છે તે એ છે કે જયારે લોકો સીએએ અને એનઆરસીને સાથે જોડીને જુએ છે ત્યારે તેમની અંદર ભય ઉત્પન્ન થાય છે. સીએએ બાબતે નહેરૂજી અને ગાંધીજી સહિતના લોકોએ કહ્યું હતું કે, પાકિસ્તાનની અંદર આપણાં હિન્દુ ભાઈઓ છે. એ વાત સાથે અમે સંમત છીએ કે પાકિસ્તાનની અંદર ધર્મના આધારે હિન્દુઓ ઉપર અત્યાચાર થતો હોય તો તેમને આપણે પાછાં લેવા જોઈએ તેમાં કોઈને વાંધો હોઈ જ ન શકે. ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીને વિનંતી કરતાં અપીલ કરી હતી કે, એનઆરસી ગુજરાતમાં લાગુ કરવામાં નહીં આવે તેવી જાહેરાત મુખ્યમંત્રી કરે એટલે આ પ્રોબ્લેમ અહીં જ પુરો થઈ જાય. તેના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા દેશનો માહોલ, ભાઈચારો, શાંતિ અને બધાંનો પરસ્પર વિશ્વાસ, સદ્દભાવના બગડવા ન જોઈએ એવી એમની ચિંતામાં પણ હું સાથ પૂરાવું છું અને ગ્યાસુદ્દીન શેખને અભિનંદન પાઠવું છું કે તેમણે સાચી વાત રજૂ કરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સીએએના કારણે ભાઈચારો કે સદભાવના બગડશે નહિ અને એનઆરસી એ પાર્લામેન્ટ નક્કી કરશે એટલે એના વિશે મારે કાંઈ કહેવું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.