નવરાત્રીના બહાને બિડેનનો ટ્રમ્પને ટોણો!, ભારતીયોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને એક પખવાડીયું જ બાકી છે તેવા સમયે પ્રમુખપદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને અમેરિકામાં બીજા સૌથી મોટા ઈમિગ્રન્ટ્સ જૂથ એવા ભારતીયોને આકર્ષવા શનિવારે નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. જોકે, નવરાત્રીની શુભેચ્છા સાથે તેમણે ટ્રમ્પ પર પણ નિશાન તાક્યું હતું.

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને શનિવારે ભારતીયોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી કે ‘ફરી એક વખત દુષ્ટો પર દૈવી વિજય પ્રાપ્ત થાય.’ જો બિડેને શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘હિન્દુઓનો તહેવાર નવરાત્રી શરૂ થઈ ગયો છે.

જિલ અને હું અમેરિકા અને સમગ્ર વિશ્વમાં નવરાત્રીની ઊજવણી કરનારા બધા જ લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ. અસુરો પર ફરી એક વખત દૈવી વિજય થાય અને એક નવી શરૂઆત કરીએ તથા બધા માટે તકો ઊભી થાય.’

અમેરિકામાં ભારતીય-અમેરિકનો બીજું સૌથી મોટુ ંઈમિગ્રન્ટ્સ જૂથ છે. અમેરિકામાં 3જી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય-અમેરિકનોના એક ટકાથી ઓછા રજિસ્ટર્ડ મતદારો છે. જોકે, ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષો ભારતીય-અમેરિકનોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે.

ભારતીય કોમ્યુનિટીને આકર્ષવા બિડેને ભારતીય-અમેરિકન સેનેટર કમલા હેરીસની ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી કરતાં અમેરિકન ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમાજનું મહત્વ ઉજાગર થયું છે. કમલા હેરિસ રિપબ્લિક કે ડેમોક્રેટ જેવા મોટા પક્ષમાંથી ઉપપ્રમુખપદની ઉમેદવારી નોંધાવનાર સૌપ્રથમ અશ્વેત મહિલા અને એશિયન અમેરિકન છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.