નવું સંસદ ભવન બનાવવું અંતિમ સંસ્કાર સમયે ડીજે વગાડવા સમાન : કોંગ્રેસ

– નવા સંસદ ભવન મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ મોદી સરકારના આ પગલાંને કોંગ્રેસે અંતિમ સંસ્કાર સમયે ડીજે વગાડવા સમાન ગણાવ્યું હતું. વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જૂના અને નવા સંસદ ભવનની ડિઝાઈનની સરખામણી મધ્ય પ્રદેશના મોરેનામાં આવેલા 64 જોગણીઓના મંદિર અને અમેરિકાના પેન્ટાગોન સાથે કરીને સ્વદેશી-વિદેશીનો મુદ્દો ઊઠાવ્યો.

તેમણે કહ્યું નવું ભવન પેન્ટાગોન પરથી પ્રેરિત છે તો તે આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ કેવી રીતે રજૂ કરશે. કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે, નવી ઈમારતનો શિલાન્યાસ કરવાનો નિર્ણય હૃદયહીન, સંવેદનહીન અને બેશરમી સમાન છે.

ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ આિર્થક મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ભાજપ લોકોને રાહત આપવાના બદલે ફાલતુ જુલુસ કાઢી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે સરકારનું આ પગલું અંતિમ સંસ્કાર સમયે ડીજે વગાડવા સમાન છે. એક તરફ કાળા કૃષિ કાયદાના માધ્યમથી ભાજપે ખેડૂતોની આજીવિકા પર બુલડોઝર ફેરવ્યું છે,

બીજી તરફ તે જનતાના રૂપિયા ભવનના નિર્માણ પાછળ ખર્ચી રહ્યો છે, જેની કોઈ જરૂર નથી, પરંતુ ભાજપ પોતાનો અહંકાર સંતુષ્ટ કરવા માટે આવું કરી રહ્યો છે. શેરગિલે દાવો કર્યો કે મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે નવા સંસદ ભવનના શિલાન્યાસનું કામ ‘ખેડૂતો પાસેથી રોટલી આંચક્યા પછી કેકની દુકાન શરૂ કરવા’ સમાન છે.

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જૂના અને નવા સંસદ ભવનની સરખામણી કરતાં સ્વદેશી-વિદેશીનો મુદ્દો ઊઠાવ્યો. તેમણે એક ટ્વીટ કરી નવા સંસદ ભવનને આત્મનિર્ભર ગણાવવા અંગે પણ કટાક્ષ કર્યો હતો.

તેમણે લખ્યું કે, અંગ્રેજોએ બનાવેલું વર્તમાન સંસદ ભવન મધ્ય પ્રદેશના મુરૈના સ્તિત 64 યોગિની મંદિર જેવું દેખાય છે, પરંતુ નવા ‘આત્મનિર્ભર’ સંસદ ભવનની ડિઝાઈન અમેરિકાના વોશિંગ્ટન ડીસી સિૃથત પેન્ટાગોન જેવી છે. આ સાથે જયરામ રમેશે જૂના સંસદ ભવન અને નવા સંસદ ભવનની ડિઝાઈનની સાથે 64 યોગિની મંદિર અને પેન્ટાગોનની તસવીરો પણ શૅર કરી હતી.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે પણ એક ટ્વીટ કરીને કહ્યું, ડિયર પીએમ, સંસદ પથૃથરોથી બનેલી ઈમારત નથી. સંસદ પ્રજાતંત્ર છે, સંસદ બંધારણની મર્યાદાઓને માનવું છે, સંસદ સામાજિક અને આિર્થક સમાનતા છે, સંસદ દેશના ભાઈચારા અને સદ્ભાવના છે, સંસદ 130 કરોડ ભારતીયોની આશા છે. જરૂર વિચારો, આ બધાનો નાશ કરીને બનાવાયેલી નવી સંસદની ઈમારત કેવી હશે?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.