ઓછા ખર્ચે વધારે આવક કરાવતી તાઈવાન પપૈયાની ખેતી, આ ખેડૂત થયો માલામાલ

ખેડૂત ગુણવંતભાઈ પઢિયાર જણાવે છે કે, તાઈવાન પપૈયાના રોપાઓનું વાવેતર કર્યાના 7 મહિના બાદ પપૈયાની આવક શરૂં થઈ ગઈ હતી. જેમાં એક છોડ પર 40થી 80 કિલો પપૈયાનું ઉત્પાદન મળે છે. દર સાત દિવસે એક વિણમાં તેઓ કુલ ત્રણ ટન જેટલા તાઈવાન પપૈયાનું ઉત્પાદન મેળવે છે.

બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય એવી ખેતી કરી રહ્યા છે. બનાસકાંઠાના યુવા ખેડૂતો પણ આ વિચાર સાથે આગળ વધીને ખેતી કરી રહ્યા છે. ડીસાના રાણપુર ગામના ખેડૂત ગુણવંતભાઈ પઢીયાર પણ છેલ્લા ત્રણ વર્ષની તાઇવાન પપૈયાની ખેતી કરે છે. આ વર્ષે તેઓએ પોણા બે વીઘા ખેતરમાં તાઈવાન પપૈયાના 1200 છોડ વાવ્યા છે. જેમાંથી તેઓને અત્યાર સુધી પાંચ લાખ રૂપિયાની આવક મેળવી ચૂક્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામ ખાતે રહેતા ગુણવંતભાઈ કપુરજી પઢીયારે (ઉં. 39 વર્ષ) 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. 8 વિઘા જમીન ધરાવતો તેમનો પરિવાર  વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. ગુણવંતભાઈ પઢીયારનો પરિવાર વર્ષોથી સિઝન આધારિત ખેતી કરતો હતો. પરંતુ આ ખેતીમાં ખર્ચ કરતાં વધારે નુકસાન થતું હતું. જેથી ગુણવંતભાઈએ ખેતીમાં બદલાવ લાવવાનું વિચાર્યું. કોરોનાકાળ દરમિયાન તેઓ દાંતીવાડા ગયા હતા. જ્યાં તેમણે તાઇવાન પપૈયાની ખેતી જોઈ હતી. અંતે તેમણે ઓછા ખર્ચે વધુ આવક આપતી તાઈવાન પપૈયાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.

ગુણવંતભાઈએ કેવી રીતે કરી પપૈયાની ખેતી?

ગુણવંતભાઈ પઢીયારે ગત વર્ષે પોણા બે વિઘામાં તાઇવાન પપૈયાની ખેતી કરી છે. ગુણવંતભાઈ પઢીયાર આણંદથી તાઈવાન પપૈયાના 1200 રોપા લાવ્યા હતા. જેમાં એક રોપાની કિંમત 17 રૂપિયા હતી. આ 1200 રોપાને તેમણે 6 બાય 7 ના અંતરે મલચિંગ અને દ્વિપ પદ્ધતિથી વાવેતર કર્યું. જેમાં પાયાના ભાગમાં છાણીયું ખાતર આપ્યું હતું. આ ખેતીમાં તેમણે રાસાયણિક ખાતરનો સ્હેજ પણ ઉપયોગ કર્યો નથી. આ સમગ્ર પ્રક્રિયામાં તેઓને આશરે 25, 000 જેટલો ખર્ચ થયો હતો.

રોપાઓનું વાવેતર કર્યાના 7 મહિના બાદ પપૈયાની આવક શરૂં થઈ ગઈ હતી. જેમાં એક છોડ પર 40થી 80 કિલો પપૈયાનું ઉત્પાદન મળે છે. દર સાત દિવસે એક વિણમાં તેઓ કુલ ત્રણ ટન જેટલા તાઈવાન પપૈયાનું ઉત્પાદન મેળવે છે. એક મહિનામાં 3થી 4 વિણ આવે છે. તાઇવાન પપૈયાને પોતાના ઘરે સ્ટોર રૂમમાં રાખીને પકવ્યા બાદ ડીસાના બજારોમાં મોકલે છે. જ્યાં 15 થી 25 રૂપિયાના ભાવે તેનું વેચાણ થાય છે. તાઇવાન પપૈયાની ખેતીમાંથી ગુણવંતભાઈએ અત્યાર સુધી પાંચ લાખ રૂપિયાની આવક મેળવી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.