દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6822 કેસ નોંધાયા
દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 95014 છે
ગોવામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના 5 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ તમામ વેપારી જહાજ દ્વારા ગોવા આવ્યા છે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્યમંત્રી વિશ્વજિત રાણેએ જણાવ્યું હતું કે હું ગોવાના લોકોને જણાવવા માગું છું કે એક જહાજના 5 ક્રૂ-મેમ્બર્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમને ઓમિક્રોન વાઇરસનું સંક્રમણ લાગ્યું હોવાની આશંકાએ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
તેમનાં સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે પુણે મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. વાઇરસના સંક્રમણથી બચવા માટે બધા સાવધાન રહેવુ. તમને જણાવી દઈએ કે અત્યારસુધી આ વેરિયન્ટના 24 કેસ નોંધાયા છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકો કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને ગુજરાતમાં જોવા મળ્યા છે.
વિદેશથી થાણે આવેલા 109 લોકો ગુમ
કોરોના વાઇરસનો ઓમિક્રોન વેરિયન્ટ મહારાષ્ટ્રમાં પણ ફેલાઈ ચૂક્યો છે. આ દરમિયાન વિદેશયાત્રાથી થાણે પરત આવેલા 295 લોકોમાંથી 109 લોકો ગુમ થયા છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુ.પ્રમુખ વિજય સૂર્યવંશીએ જણાવ્યુ હતું કે તેમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ-ઓફ આવે છે, જ્યારે કેટલાક લોકો તો તેમના એડ્રેસ પર મળ્યા નથી. ગાઈડલાઇન્સ અનુસાર, ‘જોખમકારક’ દેશોમાંથી આવનારા લોકોએ 7 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને 8મા દિવસે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 2 સંક્રમિત મળ્યા
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 2 કેસની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. આ સાથે જ દેશભરમાં એના કેસ વધીને 24 થઈ છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે રાજ્યની એક 37 વર્ષીય વ્યક્તિમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. એ 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો.
જ્યારે બીજા કેસની પુષ્ટિ અમેરિકાથી પરત આવેલા 36 વર્ષીય એક મહિલામાં થઈ છે. આ બંને મિત્રો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને ફાઇઝરની વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થયા છે. બંનેની સારવાર મુંબઈની 7 હિલ્સ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6822 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાને કારણે 220 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 24 કેસ સામે આવ્યા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 95014 છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.