ઓનલાઈન જાહેરાતોમાં ગોટાળા મુદ્દે અમેરિકાના 38 રાજ્યોનો ગૂગલ સામે કેસ

– વૉશિંગ્ટનની કોર્ટમાં 38 રાજ્યોની સંયુક્ત અરજીની સુનાવણી થશે

– ફેસબુક સાથે સાંઠગાંઠ કરીને ગૂગલે ઓનલાઈન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો રાજ્યોનો ગંભીર આરોપ

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબુક સાથે મળીને ગૂગલે ઓનલાઈન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ રાજ્યોએ મૂક્યો છે. આ સંયુક્ત અરજીની સુનાવણી વૉશિંગ્ટનની કોર્ટમાં થશે. અગાઉ આ જ મુદ્દે ફેસબુક સામે પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ મૂક્યો છે. અરજીમાં કહેવાયું હતું કે ફેસબુક સાથે મળીને ગૂગલે ઓનલાઈન જાહેરાતોના માર્કેટમાં ગોટાળો સર્જ્યો છે. જાહેરાતના માર્કેટને કબજે કરીને મોનોપોલી સર્જી દીધી છે, જેના કારણે ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે.

કોલોરાડોના એટર્ની જનરલ ફીલ વેઈઝર અને ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટને એક સંયુક્ત અરજી વૉશિંગ્ટનની કોર્ટમાં દાખલ કરી છે. શરૂઆતમાં 10 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હતા, પરંતુ હવે કુલ 38 રાજ્યો આ અરજીમાં સામેલ થયા હોવાથી ગૂગલની મુશ્કેલી વધી ગઈ છે.

ગૂગલ સામે 38 રાજ્યોએ કેસ દાખલ કર્યો એ વખતે બધા જ રાજ્યોના એટર્ની જનરલ હાજર રહ્યા હતા. બધા રાજ્યો વધી એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું: ગૂગલની મોનોપોલીના કારણે ગ્રાહકોને ઊંચા દામ આપવા પડશે અને છતાં ઉચ્ચ ગુણવત્તાની સર્વિસના વિકલ્પ મળશે કે કેમ તે અંગે સવાલો સર્જાશે. સ્પર્ધા ન હોવાના કારણે ગ્રાહકોને કોઈ જ ફાયદો થશે નહીં.

ઓનલાઈન જાહેરાતોના ઊંચા ભાવ અને નીચી ગુણવત્તાથી ઓનલાઈન માર્કેટની લાંબાંગાળાની સ્પર્ધા સાવ ખતમ થઈ જશે. રાજ્યોના આરોપ છે કે ગૂગલ ફેસબુક સાથે મળીને પ્રતિસ્પર્ધા ખતમ કરવા માગે છે, આવી મોનોપોલી સર્જવી તે પ્રતિસ્પર્ધાના રાજ્યોના કાયદાનો ભંગ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાજ્યોને અલગ અલગ કાયદા છે અને એ કાયદામાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રાધાન્ય અપાયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.