ઢોંગી સૂરજ ભુવા અને તેના સાથીદારોની કરતુતોનો ઘટસ્ફોટ! યુવતીને પહેલા ગાડીમાં બેસાડી, પછી હત્યા કરી મૃતદેહ સળગાવ્યો અને ખોટું નાટક રચ્યું…

દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. અને ત્યારે અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે અને જેમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટના વિશે ઝોન-7ના DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે અને આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી અને આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે, ધારાને શોધી કાઢવા માટે DCP લેવલે ઝોન 7ની LCB, સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી અને જેના આધારે આ બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી અને ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ કારમાં અમદાવાદ આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન આપીને સુરજ સોલંકીએ પાલડી પોલીસને અરજી આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં.

જેના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ એવું નિવેદન આપીને જાણવાજોગ અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી અનેં જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી અને ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી અને છેલ્લે અમારી ટીમને સફળતા મળી.

અમારી તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા અને વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા, ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું. જેમાં મીતની માતા, મીતના ભાઈએ પણ સાથે આપ્યો હતો.

એક મહિલા સહિત 8ની ધરપકડ
અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે અને આ કેસમાં પોલીસે સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા, મીતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે.

– ગુંજન જોશી
– સુરજ સોલંકી
– મુકેશ સોલંકી
– યુવરાજ સોલંકી
– સંજય સોહલિયા
– જુગલ શાહ
– મીત શાહ
– મોના શાહ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.