પશ્ચિમ બંગાળમાં આ વખતે દિવાળી અને કાળીપૂજા ઉપર ફટાકડા નહીં ફૂટે, કોલકાતા હાઇકોર્ટેનો પ્રતિબંધ

એક તરફ કોરોના વાયરસના દર્દીઓને ફટાકડાના ધૂમાડાના કારણે જોખમ હોવાની વાત થઇ રહી છે. તો બીજી તરફ ફટાકડાના કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. આ બધા કારણોસર કેટલાક રાજ્યોમાં આ વખતે દિવાળી ઉપર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો કેટલાક રાજ્યોમાં તેની વિચારણા થઇ રહી છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ આ વખતે દિવાળી અને કાળીપૂજાના અવસર ઉપર ફટાકડા નહીં ફોડી શકાય. કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફોડવા અને બનાવવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.

ગુરુવારના રોજ બે યાચિકાની સુનવણી દરમિયાન જસ્ટિસ્ટ સંબિત બેનર્જી અને અરિજિત બેનર્જીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતા તેમણે કહ્યું કે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાથી પર્યાવરણ અને કોરોનાના દર્દીઓને નુકસાન થશે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે ફટાકડા પરનો પ્રતિબંધ જગધાત્રી અને છઠપૂજા દરમિયાન પણ લાગુ રહેશે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે દુર્ગાપૂજા દરમિયાન જાહેર થયેલા દિશાનિર્દેશ કાળીપૂજા દરમિયાન પણ લાગુ રહેશે, જેમકે પંડાલોમાં જવું નહીં. કાલીપૂજા માટેના દિશાનિર્દેશો જાહેર કરતા હાઇકોર્ટે જણાવ્યું કે પંડાલ 300 ચોરસ મીટરની જગ્યામાં લગાવવાનો રહેશે અને તેમાં 45 વ્યક્તિઓના પ્રવેશની અનુમતિ આપવામાં આવશે. આ સાથે જ બંગાળ રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને ફટાકડા ના ફોડવાની અપીલ કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.