અમેરિકાએ ફરી એક વાર ભારત સાથે કથળેલા સંબંધ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના કાર્યકારી વિદેશ ઉપમંત્રી એલિસ વેલ્સે મંગળવારે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1972ના સીમલા કરાર હેઠળ સીધી વાતચીત થાય. પરંતુ પાકિસ્તાન દ્વારા સીમા પારના આતંકવાદને આપવામાં આવતું પ્રોત્સાહન જ વાતચીત વચ્ચે સૌથી મોટી અડચણ છે. સંસદમાં વિદેશી મામલાની એક કમિટિની સામે વેલ્સે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે દ્રીપક્ષીય વાતચીત જરૂરી છે. 1972ના સીમલા કરારમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. 2006-7માં પણ સમજૂતિ માટેની કોશીશ થઇ હતી. બંને દેશો વચ્ચે કાશ્મીર સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત દરમિયાન પ્રગતિ પણ થઇ હતી. ઇતિહાસ સાક્ષી છે કે, વાતચીતથી શું શું શક્ય બને છે?
વેલ્સે કહ્યું હતું કે, ફરી એક વાર દ્રિપક્ષીય વાતચીત શરૂ કરવા માટે બંને દેશો વચ્ચે વિશ્વાસ જરૂરી છે. પરંતુ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થક કરે છે તે સૌથી મોટી અડચણ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને હાલમાં જ કહ્યું હતું કે, કાશ્મીરમાં હિંસા ફેલાવતા આતંકવાદીઓ કાશ્મીરીઓની સાથે સાથે પાકિસ્તાનના પણ દુશ્મન છે. તેમના આ નિવેદનનું સ્વાગત કરતા એલિસે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની વાતચીત શરૂ કરી સફળ બનાવવા માટે જરૂરી છે કે, પાકિસ્તાન તેના ક્ષેત્રમાં સંતાયેલા આતંકવાદીઓ અને કટ્ટરપંથી સામે આકરા પગલા ભરે. વેલ્સે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન લશ્કરે તોઇબા અને જૈશએ મોહંમદ જેવા આતંકવાદી સંગઠનોને શરણ આપે છે તેના કારણે બંને દેશો વચ્ચે તણાવ છે.
ભારત દ્વારા કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીર અંગે વેલ્સે તેના રિપોર્ટમાં કહ્યું છે કે રાજ્યમાં સ્થિતિ હજુ પણ તણાવગ્રસ્ત છે. સુરક્ષા દળોએ ગયા અઠવાડિયે અલગ અલગ સ્થળોએ આતંકવાદીઓને ઠાર માર્યા છે. અમને ચિંતા છે કે, કેટલાક સ્થાનિક અને વિદેશી આતંકીઓ સામાન્ય લોકો અને વેપારીઓને ધમકાવીને સ્થિતિ સામાન્ય બનતા અટકાવી રહ્યા છે. અમેરિકા કાશ્મીરીઓના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારનું સમર્થન કરે છે પરંતુ આતંકીઓ દ્રારા હિંસા ભડકાવવાની કોશીશની નિંદા પણ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.