પાકિસ્તાનની લુચ્ચાઈ, વોચ લિસ્ટમાંથી 4000 આતંકીઓના નામ કાઢી નાંખ્યા

 

દુનિયાના તમામ દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યા છે ત્યારે પાકિસ્તાને ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાંથી પોતાનુ નામ હટાવવા માટે મોટી ચાલ ચાલી છે.

પાકિસ્તાને છેલ્લા 18 મહિનામાં વોચ લિસ્ટમાં મુકાયા હોય તેવા 4000 જેટલા આંતકીઓના નામ હટાવી દીધા છે. આ હરકત પાકિસ્તાને જુન મહિનામાં યોજાનારી ટાસ્ક ફોર્સની બેઠક પહેલા કરી છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને 27 મુદ્દાઓ પર એક્શન લેવા માટે જુન મહિના સુધીનો સમય અપાયો છે.

અમેરિકન અખબારના અહેવાલ પ્રમાણે વોચ લિસ્ટમાં 7600 નામ હતા પણ 18 મહિનામાં આ નામની સંખ્યા ઘટીને 3800 જેટલી રહી ગઈ છે. આ નામો કેમ હટાવાયા તે અંગે હજી સુધી ઈમરાન સરકારે કોઈ ફોડ પાડયો નથી. જોકે એક પાક અધિકારીએ કહ્યુ છે કે,  આ આતંકવાદ સામેના અભિયાનનો હિસ્સો છે. બીજી તરફ અમેરિકન નિષ્ણાતોનુ કહેવુ છે કે, જે રીતે મોટી સંખ્યામાં નામો હટાવાયા છે તે એક અસાધારણ કહી શકાય તેવી ઘટના છે. આંતરરાષ્ટ્રિય નિયમ એવુ કહે છે કે, જો વોચ લિસ્ટમાંથી આંતકીનુ નામ હટાવાય તો તેની જાણકારી આપવાની રહે છે. પાકિસ્તાને નામ હટાવતી વખતે આવી જાણકારી આપી નથી.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક અધિકારીના મતે લિસ્ટમાં જે નામ સમાવાયા હતા તેમાં ગરબડ હતી. કેટલાકના મોત થઈ ગયા હતા પણ તેમના નામ લિસ્ટમાં હતા. કેટલાક અપરાધી એવા હતા જેઓ કોઈ આંતકી સંગઠન સાથે જોડાયેલા નથી.

એવુ મનાય છે કે,  ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સના બ્લેક લિસ્ટમાંથી બચવા માટે પાકિસ્તાને આ નામ હટાવી દીધા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે કહ્યુ હતુ કે, 27 મુદ્દાઓમાંથી 13 મુદ્દા એવા છે જેના પર પાકિસ્તાન હજી સુધી કોઈ કાર્યવાહી કરી શક્યુ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.