પાકિસ્તાનની મુર્ખામી : કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પોતાના નકશામાં દર્શાવ્યું!

– કાગળ પર દાવો રજૂ કરતું પાકિસ્તાનનું ‘નકશાયુદ્ધ!’

– નવો નકશો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્ય નથી : ભારત

 

કાગળ પર પોતાની જમીન વિસ્તારવાનો પાકિસ્તાનનો  પ્રયાસ નાપાક અને હાસ્યાસ્પદ

જૂનાગઢ ભૌગોલિક રીતે પાકિસ્તાનથી ક્યાંય દૂર છે : ઈમરાન સરકારે કેબિનેટમાં નકશો મંજૂર કર્યો

પાકિસ્તાને પોતાનો નવો નકશો જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે)ને તો પોતાનો ભાગ દર્શાવ્યું છે. સાથે સાથે જૂનાગઢ-માણાવદર જેવા પાકિસ્તાનથી ભૌગોલિક રીતે દૂરના પ્રદેશને પણ પોતાનો ભાગ ગણાવ્યા છે.

ઈમરાન સરકારની કેબિનેટ બેઠકમાં આ નકશો મંજૂર કરવામાં આવ્યો છે અને હવે આખા પાકિસ્તાનમાં આ નવો નકશો મોકલી આપવામાં આવશે. થોડા દિવસ પહેલા નેપાળે પણ આ રીતે ભારતનો કેટલોક ભાગ પોતાનામાં ગણાવીને નવા નકશા તૈયાર કરી વહેંચણી કરી છે.

ભારતે આ દાવાને ફગાવતા પાકિસ્તાનનો પ્રયાસ હાસ્યાસ્પદ ગણાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આવો દાવો આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય હોતો નથી. પાકિસ્તાન માત્ર નકશા પર પોતાનો પ્રદેશ વિસ્તારવામાં લાગી પડયું છે. એ નકશો કોઈ રીતે માન્ય ગણી શકાય નહીં. ભારતે કહ્યુ હતુ કે પાકિસ્તાનનો આતંકવાદને સમર્થન આપવાનો નવતર પ્રયાસ છે, જે નિરર્થક સાબિત થશે.

કાગળ  પર દાવો માંડવા માટે નેપાળ પછી પાકિસ્તાને પણ આ નકશા યુદ્ધ શરૂ કર્યું છે. પાકિસ્તાને નવા રજૂ કરેલા નકશામાં કચ્છ સરહદે આવેલી ખાડી સીર ક્રીકને પણ પોતાનો પ્રાંત ગણાવ્યો છે. નવા નકશામાં જમણી તરફ ખૂણામાં બે અલગ વિભાગ દ્વારા સીર ક્રીક અને જૂનાગઢ-માણવાદર પોતાના હોવાનું પાકિસ્તાને સાબિત કરવા નિરર્થક પ્રયાસ કર્યો છે.

આ નકશાને પાકિસ્તાન વડા પ્રધાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ શેર કરવામાં આવ્યો હતો. એ નકશામાં એમ પણ લખ્યું છે કે ભારતમાં જે કાશ્મીર છે એ ભારતે ગેરકાયદેસર કબજો જમાવેલો પ્રદેશ છે! નકશા પ્રમાણે માત્ર પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર નહીં, લદ્દાખ સુધીનો વિસ્તાર પાકિસ્તાનનો છે!

ઈમરાન ખાને આ નકશો શેર કર્યો તો વળી તેના પર પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમ્મદ કુરેશીએ આ હિંમતભર્યા પગલાં માટે અભિનંદન પણ આપ્યા હતા. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યુ છે કે આ દેશનો નવો નકશો છે, હવે તેનો જ વપરાશ થશે. તેની દેશભરમાં વહેંચણી પણ શરૂ કરી દેવાઈ છે. નવા નકશા અંગે ઈમરાન ખાને કહ્યું હતુ કે નકશાને બધા રાજકીય પક્ષો અને દેશની જનતાનું સમર્થન છે.

હકીકત એ છે કે આઝાદી વખતે જૂનાગઢના નવાબેે પોતાનું રાજ્ય પાકિસ્તાનમાં ભેળવવા પ્રયાસ કર્યો હતો. ત્યારથી પાકિસ્તાન છાશવારે આવા દાવા કરતું આવે છે. બાકી તો ભૌગોલિક રીતે જૂનાગઢથી પાકિસ્તાન પાંચસો કિલોમીટર જેટલું દૂર છે અને કોઈ પ્રકારની પાકિસ્તાની સરહદ જૂનાગઢને સ્પર્શતી નથી.

કાશ્મીર પ્રશ્ન રાષ્ટ્રસંઘમાં ચગાવાના નિષ્ફળ પ્રયાસો 

કાશ્મીરનો પ્રશ્ન લશ્કરી રીતે નહીં પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય સંસૃથાની મદદથી ઉકલે એવી પાકિસ્તાનની ઈચ્છા છે. આ માટે પાકિસ્તાન વારંવાર પ્રયાસ કરતું રહે છે. એ અંગે રાષ્ટ્રસંઘ સિૃથત ભારતના પ્રતિનિિધ ટી.એસ.ત્રિમુર્તિએ કહ્યું હતું કે પાકિસ્તાન 1965થી આ પ્રયાસ કરતું આવ્યું છે અને આજ સુધી એમાં કોઈ સફળતા મળી નથી. ત્રિમુર્તિએ કહ્યું હતુ કે યુએનમાં કાશ્મીર મુદ્દો ચગાવાના પાકિસ્તાનના બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, પણ આજ સુધી તેનું કોઈ લેવાલ જણાયુ નથી. હજુ ગયા મહિને જ પાકિસ્તાની વિદેશ મંત્રી મહમદ કુરેશીએ રાષ્ટ્રસંઘની બેઠકમાં મુદ્દો ચગાવ્યો હતો.

કાશ્મીર બનતાં રહી ગયેલો જૂનાગઢનો પ્રશ્ન

જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એ ત્રણ રાજ્યો એવા હતા, જેઓ આઝાદી સમયે ભારતમાં ભળ્યાં ન હતાં. તેમના રાજા-નવાબો અલગ અલગ કારણોસર ભારત સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. બાદમાં આ ત્રણેય પ્રાંત ભારતમાં જોડાઈ ગયા  હતા. પરંતુ આઝાદી વખતે જ્યારે ભારત-પાકિસ્તાનની ભૌગોલિક સીમાઓ નક્કી થતી હતી ત્યારે જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવી દેવું એવો આદેશ જૂનાગઢ નવાબ મહાબત ખાન ત્રીજાએ કર્યો હતો. પછી જોકે સિૃથતિ વણસતા ખુદ નવાબે ભાગી જવું પડયું હતું. નવાબ મૂળભૂત રીતે તેના દીવાન શાહનવાઝ ભુટ્ટોની ખોટી સલાહથી આ નિર્ણય લેવા પ્રેરાયા હતા. એ પછી તો સરદાર પટેલના માર્ગદર્શન તળે આરઝી હકુમતે જૂનાગઢને આઝાદ કરાવી ભારતમાં ભેળવી દીધું હતું. જૂનાગઢની કોઈ સરહદ પાકિસ્તાનને સ્પર્શતી ન હોવા છતાં પાકિસ્તાન સાથે તેના જોડાણનો તરંગી આઈડિયા ત્યારે નવાબે રજૂ કર્યો હતો.

જૂનાગઢના નાગરિકોને પાકિસ્તાનનું નાગરિકત્વ આપવા અરજી થઈ હતી

સપ્ટેમ્બર 2019માં પાકિસ્તાનની સિંધ હાઈ કોર્ટમાં અરજી આવી હતી. અરજદારે એવી ડિમાન્ડ કરી હતી કે તેમને જૂનાગઢ  નાગરિકોને ભારત અને પાકિસ્તાન બન્નેનું નાગરિકત્વ મળવું જોઈએ. મૂળ જૂનાગઢના પણ પાકિસ્તાન ગયેલા છોટુ મિયાંએ આ અરજી કરી હતી. રસપ્રદ રીતે સિંધ હાઈ કોર્ટે આ અરજી ધ્યાનમાં લઈને પાકિસ્તાન સરકારને પૂછ્યું હતું કે જૂનાગઢના લોકોને પાકિસ્તાનનું નાગરિકત્વ મળવું જોઈએ કે નહીં? સરકારે એ પછી કોઈ જવાબ રજૂ કર્યો ન હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.