પાકિસ્તાનમાં રવિવારે 1297 નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 19,854 થઇ ગઇ. અત્યાર સુધીમાં 446 મોત થયાં છે. સૌથી વધુ 180 મોત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયાં છે. કોરોના સામે લડવામાં સરકાર ઘણા મોરચે નિષ્ફળ રહી છે. પંજાબ પ્રાંતના હાફિઝાબાદ સ્થિત મુખ્ય મરકજમાં ક્વોરેન્ટાઇન કરાયેલા તબલીગી જમાતના 72 સભ્ય અત્યાર સુધીમાં ભાગી ચૂક્યા છે. તેમને પકડવા માટે જાસૂસી સંસ્થા આઇએસઆઇને કામે લગાડાઇ છે. બીજી તરફ સૈન્ય પણ કોરોના સામેની લડાઇમાં આગળ આવ્યું છે. તેણે દેશભરમાં તેની છાવણીઓ, હથિયાર ફેક્ટરીઓ, તિબેટ બેલ્ટ, કાશ્મીર, અને ગિલગિટ બાલટિસ્તાન જેવા સરહદી વિસ્તારોમાં સખત લૉકડાઉન કર્યું છે. આ તમામ સ્થળે જવાનો તહેનાત કરાયા છે. સૈન્યના તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે. તદુપરાંત, દેશભરમાં સરકારી કર્મચારીઓની મદદ માટે અનામત દળો તહેનાત કરાયાં છે. સૈન્યની મેડિકલ કોરની મદદ માટે ચીની સૈન્યના મેડિકલ એક્સપર્ટ્સને બોલાવાયા છે. પાક.ની હોસ્પિટલોમાં ચીની ડૉક્ટરો જોઇ શકાય છે. ચીની મેડિકલ ટીમનું નેતૃત્ત્વ મેજર જનરલ હુઆંગ કિનજેન કરી રહ્યા છે. તેઓ 9 દિવસ અગાઉ પાકિસ્તાન આવ્યા હતા. ટીમ 2 મહિના સુધી પાકિસ્તાનમાં રહેશે. ટીમમાં રોગ નિયંત્રક, આઇસીયુ એક્સપર્ટ અને શ્વાસના રોગોના નિષ્ણાત સામેલ છે. સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી:બિલાવલ ભુટ્ટો બીજી તરફ વિપક્ષ વડાપ્રધાન ઇમરાન ખાન પર સતત દબાણ લાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી સાબિત થઇ છે. ઇમરાને રાજીનામું આપવું જોઇએ. જોકે, સરકારનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 2,03,025 લોકોના ટેસ્ટ કરાવ્યા છે.
દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ પાકિસ્તાનના ડૉક્ટર્સ પહેલેથી જ સુરક્ષા ઉપકરણોની અછતનો સામનો કરી રહ્યા છે. ચાર દિવસ અગાઉ રાવલપિંડીમાં 26 વર્ષના ડૉક્ટરનું કોરોનાથી મોત થતાં અન્ય હજારો સ્વાસ્થ્યકર્મી હચમચી ગયા છે. તેઓ શરૂઆતથી જ જરૂરી સુરક્ષા ઉપકરણો અને સુવિધાઓની માગ કરી રહ્યા છે, જે સંતોષવામાં સરકાર નિષ્ફળ રહી છે. યુવા ડૉક્ટરના મોતના અઠવાડિયા અગાઉ પેશાવરમાં પણ એક સિનિયર ડૉક્ટરનું કોરોનાથી મોત થયું હતું. નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ જણાયા છે, જેમાં 216 ડૉક્ટર, 67 નર્સ તથા 161 અન્ય સ્વાસ્થ્ય કર્મી છે. યંગ ડૉક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. મોહમ્મદ ફઝલે કહ્યું કે મોટા ભાગના કોરોનાગ્રસ્ત ડૉક્ટર્સ બેચેન અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી ગ્રસ્ત છે. તેથી તેમના માટે સાઇકોલોજિસ્ટ રખાયા છે. કેટલાક ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ બીજી તરફ સરકાર આવતા અઠવાડિયે લૉકડાઉનમાં વધુ છૂટછાટ જાહેર કરી શકે છે. ગયા મહિને 21 ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ હતી, જેમાં સિમેન્ટ, કેમિકલ, ક્રશિંગ, ફર્ટિલાઇઝર, ખનીજ, ખેતી, કાચ, સ્ટેશનરી ઉદ્યોગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, પેપર અને પેકેજિંગ યુનિટ વગેરે સામેલ છે. પાકિસ્તાનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ અનુસાર, કોરોનાને કારણે, દેશમાં 1.80 કરોડ લોકોને રોજગાર મળી શકે છે. 7 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જઈ શકે છે. 5 રાજ્યોમાં 94 ટકા કેસ છે પંજાબ-7,106 સિંધ-7,102 ખૈબર પખ્તુનખ્ખા-2,907 બલુચિસ્તાન-1,172 ઇસ્લામાબાદ-393
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.