વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક અસાધારણ પગલું ભરીને પાકિસ્તાનને ફરીથી લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી છે. સંગઠનના કહેવા પ્રમાણે પાકિસ્તાન બે સપ્તાહના અંતરાલમાં બે વખત પ્રતિબંધો લાગુ કરે. મતલબ કે પાકિસ્તાનમાં અનેક વખત લોકડાઉન લાગુ કરવાની જરૂર પડશે. સંગઠને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી ડો. યાસ્મિન રાશિદને પત્ર લખીને તેમનો દેશ લોકડાઉન પાછુ ખેંચવા જરૂરી શરતો પૂરી નથી કરતો તેમ જણાવ્યું હતું.
પાકિસ્તાને પહેલી મેના રોજ લોકડાઉનમાં થોડી છૂટછાટ આપી હતી અને ત્યારબાદ 22 મેના રોજ સંપૂર્ણ છૂટછાટની જાહેરાત કરી દેવાઈ હતી. સંગઠનના પાકિસ્તાનના કંટ્રી હેડ ડો. પલિતા મહિપાલે 7મી જૂનના રોજ એક પત્ર લખ્યો હતો જેમાં પાકિસ્તાનના લગભગ તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસ પહોંચી ગયો હોવાનું અને શહેરોમાં વધુ કેસ હોવાનું લખેલું હતું.
સંગઠનના કહેવા પ્રમાણે લોકડાઉન દૂર કરવા કેટલીક શરતો પૂર્ણ કરવી જોઈએ જેમકે બીમારીના ફેલાવા પર નિયંત્રણ વગેરે. સ્વાસ્થ્ય સેવાઓ કેસને ઓળખવામાં, તપાસવામાં, આઈસોલેટ કરવામાં અને કોન્ટેક ટ્રેસ કરવામાં સક્ષમ હોવી જોઈએ. કાર્યાલયોમાં જરૂરી નિયમો લાગુ કરવા જોઈએ. ન્યૂ નોર્મલ સાથે રહેવા લોકોને જાગૃત કરવામાં આવે વગેરે.
આ તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન લોકડાઉનનો વિરોધ કરતા આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે લોકડાઉનથી ગરીબ દેશોને ભારે મોટો ફટકો પડશે અને ગરીબ લોકોને સૌથી વધુ નુકસાન ભોગવવું પડશે. તેમણે ભારતમાં લોકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિનું ઉદાહરણ પણ આપ્યું હતું.
વર્ષ 2018ના આંકડાઓ પ્રમાણે પાકિસ્તાનની વસ્તી 21.2 કરોડ જેટલી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 1,13,702 કેસની પૃષ્ટિ થઈ ચુકી છે જ્યારે ઓછામાં ઓછા 2,255 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં કોરોનાના કેસનો સાચો આંકડો વધારે હોઈ શકે છે કારણ કે ટેસ્ટિંગ મામલે પાકિસ્તાન ખૂબ જ પાછળ છે. જોકે કોરોનાના કારણે મોટા ભાગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને મોટાભાગની હોસ્પિટલ્સ ભરાઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.