સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને પાનેતર ઓઢાડીને વિદાય આપી હતી. અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ જ્ઞાતિની દીકરીને વળાવવામાં આવી હતી. આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. હું મારી મુસ્લિમ દીકરીઓને અસ્સલામ વાલેકુમ મેસેજ મોકલું છું. તો તેઓ મને જયરામદેવપીર મોકલે છે.
પાનેતર લગ્નોત્સવ અબ્રામા પી.પી. સવાણી ચેતન્ય વિદ્યાસંકુલમાં યોજાયો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર 135 દીકરીઓને શનિવારે પાનેતર ઓઢાડીને અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી. લગ્નોત્સવમાં 5 મુસ્લિમ દીકરીઓનાં નિકાહ કરાવવામાં આવ્યા હતા. લગ્નોત્સવમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વનમંત્રી ગણપત વસાવા, મેયર જગદીશ પટેલ સહિતનાં મહાનુબાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં બે સ્થળે સામાજિક સમરસતાના કાર્યક્રમ એકસાથે ચાલે છે. ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં દરેક જ્ઞાતિનાં લોકો પૂજામાં બેઠા છે. જ્યારે સુરતમાં આયોજિત પાનેતર લગ્નોત્સવમાં જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવ કરવામાં આવતો નથી. સમાજમાં થતાં અન્ય સમૂહ લગ્નો ત્રણ કલાકમાં પૂર્ણ થાય છે. બાદમાં આયોજકો દીકરીઓને યાદ કરતાં નથી. જ્યારે મહેશભાઈ પિતાવિહોણી દીકરી માટે આજીવન પિતાની ગરજ સારે છે. તે દીકરીનાં તમામ સુખદુખના પ્રસંગમાં હાજર રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.