પરપ્રાંતીય મજૂરો પાસેથી ટિકિટ ભાડું વસૂલવાની વાત જ નથી થઈ : કેન્દ્ર

– શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં મજૂરો પાસેથી ભાડાંની વસૂલાતનો વિવાદ

– કામદારોને વતન પહોંચાડવા 85 ટકા ભાડું રેલવે અને 15 ટકા ભાડું રાજ્ય સરકારો વહન કરે છે : સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.04 મે 2020, સોમવાર

કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે જાહેર કરાયેલા લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને ઘરે પહોંચાડવા માટે રેલવે તરફથી ભાડાંની વસૂલાત અંગેના વિવાદ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. રેલવેએ રવિવારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરતાં રાજ્યોને મજૂરો પાસેથી ભાડું વસૂલવા ભલામણ કરાઈ હતી. જોકે, આ મુદ્દે સોનિયા ગાંધીએ મજૂરોનાં ભાંડાનો બોજ કોંગ્રેસ ઊપાડશે તેવી જાહેરાત પછી કેન્દ્ર સરકાર ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. આ મુદ્દે યુ-ટર્ન લેતાં સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે ભારત સરકારે ક્યારેય કામદારો પાસેથી ટ્રેનનું ભાડું વસૂલવા જણાવ્યું નથી. કામદારોને ઘરે પહોંચાડવા માટે ૮૫ ટકા ભાડું રેલવે અને ૧૫ ટકા ભાડું રાજ્ય સરકાર વહન કરે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે રાજ્યોની વિનંતીથી વિશેષ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. અમે લાગતના માપદંડોના આધારે ભાડાંને ૮૫-૧૫ ટકા (રેલવેઃ રાજ્યોના શેર)માં વિભાજિત કરી રહ્યા છીએ. અમે રાજ્યોને ક્યારેય એમ નથી કહ્યું કે તે ફસાયેલા પરપ્રાંતીય કામદારો પાસેથી રૂપિયા વસૂલે.

પરપ્રાંતિય કામદારો પાસેથી ભાડાંની વસૂલાતનો વિવાદ સર્જાતાં ભાજપ નેતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયના દિશા-નિર્દેશો મુજબ કોઈપણ સ્ટેશન પર જતા લોકો માટે ટિકિટો વેચાતી નથી. કામદારોના આ પ્રવાસ માટે રેલવે ૮૫ ટકાની સબસિડી આપી રહ્યું છે જ્યારે બાકીના ૧૫ ટકાનું ભાડું રાજ્યો પાસેથી વસૂલવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકોએ ટિકિટ પોસ્ટ કરી છે અને સ્પષ્ટીકરણ માગ્યું છે કે જો ટિકિટ વેચાઈ નથી તો આ શું છે? જવાબમાં સંબિત પાત્રાએ કહ્યું કે પ્રત્યેક શ્રમિક એક્સપ્રેસને ગંતવ્ય સ્થળ માટે લગભગ ૧૨૦૦ ટિકિટ રેલવે દ્વારા રાજ્ય સરકારને અપાય છે. રાજ્ય સરકારો દ્વારા ટિકિટની કિંમત અપાયા પછી ટિકિટો મજૂરોને અપાય છે.

રાજકીય નિવેદનો વચ્ચે સોમવારે રેલવેનો એ પત્ર પણ સામે આવ્યો, જેમાં રાજ્ય સરકારોને કહેવાયું હતું કે તે પ્રવાસીઓ પાસેથી ટિકિટના રૂપિયા લે અને તે રૂપિયા રેલવેને આપે. ૨જી મેએ આ પત્રમાં રેલવે મંત્રાલયે પરપ્રાંતીય મજૂરો, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થાની વાત કરી છે. પત્રમાં કહેવાયું છે કે જે રાજ્યમાંથી આ વિશેષ ટ્રેન રવાના થશે, રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાયેલી યાદી મુજબ રેલવે ટિકિટ છાપશે અને રાજ્ય સરકારને આપશે. ત્યાર પછી આ ટિકિટ સ્થાનિક તંત્ર પ્રવાસીઓને આપીને તેમની પાસેથી ભાડું વસૂલશે અને તે રૂપિયા રેલવેને આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.