પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિકને જેલમાંથી બહાર કાઢવા કરી બેઠક

રાજદ્રોહ કેસમાં કોર્ટમાં હાજર ન થતાં જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલાં ખોટા કેસો મામલે અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર બાદ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, પાસ સમિતિ નહીં મારો પરિવાર છે. હાર્દિક અને અલ્પેશ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં યોજાયેલ ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા હતા. આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું. હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે. આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે. 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી. આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે. બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ. સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ.

તો આ મામલે પનારાએ જણાવ્યું કે, જરૂર પડશે તો 2015 જેવું આંદોલન 2020માં કરીશું. એટલું જ નહીં તાલુકા-જિલ્લા પંચાયતમાં કાર્યકરો ચૂંટણી લડશે તેવું પણ પનારાએ જણાવ્યું હતું. સાથે પાસ દ્રારા જણાવવામાં આવ્યું કે, 2015નો એક કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર છેલ્લા 30 દિવસથી એક્શનમોડ પર આવી છે. 2020માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરીને તમામ જિલ્લા અને તાલુકા મથકે એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેની સાથે સાથે જે લોકોએ મધ્યસ્થતા કરી છે તેમની મુલાકાત પણ લઈ ચર્ચા કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.