લોકો પાસે કડક ઉઘરાણી અને સરકારી ઇમારતોનો જ ટેક્સ ભરાતો નથી છતા પણ પગલા નહીં

ગુજરાત સરકાર ટેક્સ બાકી હોય તો લોકો પાસે પઠાણી ઉઘરાણી કરે છે પરંતુ ખુદ સરકારી ઓફિસોનો પ્રોપર્ટી ટેક્સ ભરાતો નથી તેમ છતાં તેમની સામે પગલાં લેવામાં આવતા નથી. માત્ર જે તે અધિકારીને નોટીસ મોકલી સંતોષ માનવામાં આવે છે અને નાગરિકો પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવા માટે દંડો પછાડવા ટેવાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કચેરી સરકારી ઈમારતો પાસેથી વસૂલાત કરવામાં ઊણું ઉતર્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં આવેલા સરકારી મકાનો અને સચિવાલય સહિતની ઈમારતો માટે વર્ષોથી મિલકતવેરો ચૂકવાયો નથી

સરકારી ઇમારતોનો 36 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી હોવા છતાં વહીવટી તંત્ર કાર્યવાહી કરી શકતું નથી. ગાંધીનગરમાં 20 હજારથી વધુ સરકારી આવાસ બનાવાયા છે જે પૈકી 13000 સરકારી ક્વાર્ટર્સ અને સદસ્ય નિવાસ માટે મિલકત વેરો ભરાયો નથી. વર્ષોથી વેરો ન ભરાયો હોવાથી સરકારી ક્વાર્ટર્સ પાસેથી 15 કરોડ વસૂલવાના બાકી છે. વિવિધ વિભાગોની કમિશનર કક્ષાની કચેરીઓ જીવરાજ મહેતા ભવન એટલે કે જૂના સચિવાલયમાં આવેલી છે.અને જૂના સચિવાલય સંકુલનો ચાર કરોડનો વેરો ભરાયો નથી.

સરદાર ભવન તરીકે ઓળખાતા નવા સચિવાલયમાં સરકારના દરેક વિભાગની વડી કચેરી આવેલી છે. નવા સચિવાલય સંકુલનો 12 કરોડ ટેક્સ બાકી બોલે છે અને આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકની વિવિધ મિલકતોનો ત્રણ કરોડનો ટેક્સ બાકી છે. રાજભવન, મંત્રી નિવાસના 40 યુનિટ તથા હેલિપેડ ડોમ દ્વારા રૂ.11 કરોડ જેટલો વેરો બાકી હતો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં વ્યવસાય વેરાની આવક વધારવાનું લક્ષ્યાંક રખાયું છે. જેના ભાગરૂપે નવા વિસ્તારોમાં વ્યવસાય વેરાની વસૂલાત માટે નોટિસો આપવાનું શરૂ થયું છે. અત્યાર સુધી 2500થી વધુ નોટિસો આપવામાં આવી છે. ચાલુ નાણાકી વર્ષમાં 10.30 કરોડનો વ્યવસાય વેરો ભરાઈ ગયો છે. શહેરના જૂના વિસ્તારમાં 4000 જેટલા ટેક્સ પેયર નોંધાયેલા છે અને જ્યારે વસતી અને વિસ્તારની દૃષ્ટિએ ત્રણ ગણા હોવા છતાં નવા વિસ્તારમાં માત્ર 1000 જેટલા ટેક્સ પેયર નોંધાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.