દેશમાં લોકોને મળશે વેક્સીનનો ત્રીજો ડોઝ, જાણો PM એ કરી જાહેરાત….

PM નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. PMએ જાહેરાત કરી હતી કે સોમવાર, ત્રીજી જાન્યુઆરી 2022થી 15-18 વર્ષના વયજૂથના બાળકોનું પણ વેક્સીનેશન શરૂ થશે. આ પગલાંથી શાળાઓમાં શિક્ષણ સામાન્ય થવાની અપેક્ષા છે અને શાળાએ જતા બાળકોના માતા-પિતાની ચિંતા ઘટાડશે. તેમણે 10મી જાન્યુઆરી, 2022, સોમવારથી આરોગ્યસંભાળ અને અગ્રહરોળના કાર્યકરો માટે અગમચેતીના ડૉઝની પણ જાહેરાત કરી હતી તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સ અને હેલ્થ કેર વર્કર્સ કોવિડ દર્દીઓની સેવામાં જે સમય વીતાવે છે એને ધ્યાનમાં લઈને આમ કરાયું છે.

ભારતમાં આને ‘પ્રિકૉશન ડૉઝ-અગમચેતીનો ડૉઝ’ કહેવામાં આવે છે, નહીં કે બૂસ્ટર ડૉઝ. અગમચેતીના ડૉઝના નિર્ણયથી આરોગ્યસંભાળ અને અગ્રહરોળના કાર્યકરોનો આત્મવિશ્વાસ મજબૂત થશે. PMએ એવી પણ જાહેરાત કરી હતી કે 60 વર્ષથી વધુની વયના સિનિયર સિટિઝન્સ જેઓ અન્ય બીમારી ધરાવતા હોય એમને 10મી જાન્યુઆરી, 2022થી એમના તબીબોની સલાહ પર અગમચેતીના ડૉઝનો વિકલ્પ મળશે.

ભારતમાં ઓમિક્રોનના ચેપનો ઉલ્લેખ કરતા, PMએ લોકોને ગભરાટમાં ન આવી જવાની અને માસ્ક્સ તેમજ વારંવાર હાથ ધોવા જેવી સાવધાનીઓને અનુસરવાની વિનંતી કરી હતી તેમજ PMએ કહ્યું કે મહામારી સામેની લડતનો વૈશ્વિક અનુભવ કહે છે કે કોરોના સામેની લડાઇમાં તમામ માર્ગદર્શિકાનું અનુસરણ સૌથી મોટા શસ્ત્રો છે. બીજું હથિયાર વેક્સીનેશન છે, એમ તેમણે કહ્યું હતું.

PMએ ખાતરી આપી હતી કે દેશ જલદી નાકમાં મૂકવાની વેક્સીન અને વિશ્વની પહેલી ડીએનએ વેક્સીન વિકસાવશે. PMએ માહિતી આપી કે કોરોના સામેની ભારતની લડાઇ, એકદમ શરૂઆતથી જ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, વૈજ્ઞાનિક મસલતો અને વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત રહી છે. 11 મહિનાથી ચાલતાં વેક્સીનેશન અભિયાને દેશવાસીઓનાં રોજિંદા જીવનમાં રાહત અને રાબેતાની સ્થિતિ લાવી છે એમ PMએ કહ્યું હતું. વિશ્વના ઘણા દેશોની સરખામણીએ આર્થિક પ્રવૃત્તિઓ પ્રોત્સાહજનક રહી છે. તેમ છતાં, PMએ સચેત કર્યા હતા કે કોરોના હજી ગયો નથી અને સાવધાની જ સર્વોચ્ચ અગ્રતા છે.

PM મોદીએ અફવાઓ, ગૂંચવણ અને ભય ફેલાવવાના પ્રયાસો સામે સાવધાન કર્યા હતા.અને તેમણે આગામી દિવસોમાં વિશ્વનાં સૌથી મોટાં વેક્સીનેશનનાં અભિયાનને મજબૂત અને ઝડપી કરવાની અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.