ગેમ્સના મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં કોવિડ-19ની એન્ટ્રી થઈ ચુકી છે. થોડા દિવસો પહેલા જ ઓસ્ટ્રેલિયાના પાંચ ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળ્યા બાદ આઈસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે મેડલ વિજેતા સ્વિમર પણ કોરોના વાયરસથી પીડિત મળી આવ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં કોવિડ-19ના કેસો સતત સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત 26 જુલાઈથી થઈ હતી. જો કે, ઘણી રમતો બે દિવસ અગાઉ એટલે કે 24 જુલાઈથી શરૂ થઈ ગઈ હતી. જો કે, સત્તાવાર ઉદઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાયો હતો. પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સને ચાહકો માણી રહ્યા છે, પરંતુ આ દરમિયાન ગેમ્સના મહાકુંભમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોનાએ ઈંગ્લિશ એથ્લેટને ચપેટમાં લીધો છે.
બ્રિટિશ સ્વિમર એડમ પીટી કોરોના સંક્રમિત થઈ ગયા છે. એડમે 28 જુલાઈના રોજ 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. મેડલ જીત્યાના બીજા જ દિવસે તેના કોરોના પોઝિટીવ હોવાની ખબર સામે આવી. 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લેનાર એડમ પીટી ઇટલીના નિકોલો માર્ટિનેંગીના સંપર્કમાં આવ્યા હતા. નિકોલો માર્ટિનેંગીએ આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય એડમ અમેરિકન સ્વિમર નિક ફિંકના પણ સંપર્કમાં આવ્યો હતો.
જણાવી દઈએ કે રવિવારે (28 જુલાઈ) સવારે એડમ પીટીની તબિયત સારી ન હતી. જો કે તેમ છતાં તેણે ફાઈનલ મેચમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. બ્રિટિશ અધિકારીઓએ સોમવારે માહિતી આપી કે એડમ કોવિડ પોઝિટિવ મળી આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે એડમ પીટી રવિવારે ફાઈનલ બાદ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. તેને ગળામાં તકલીફ હતી અને તે બરાબર બોલી શકતો ન હતો. કોવિડ-19 ના લક્ષણો દેખાયા પછી ટેસ્ટ કરવામાં આવ્યો, ટેસ્ટ રિપોર્ટ સોમવારે આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ આવ્યો હતો.આમ છતાં, 29 વર્ષીય એડમ પેટી 4×100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક મેડલી ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. બ્રિટિશ ટીમે કહ્યું કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇવેન્ટ પહેલા તેના સ્વાસ્થ્યના આધારે નક્કી કરવામાં આવશે કે તેને પૂલમાં ઉતારવા છે કે નહીં.
પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં કોવિડ-19ને લઈને કોઈ નિયમો નથી. અગાઉ, ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં, કોવિડ-19 ને લઈને ઘણી સખતાઈ રાખવામાં આવી હતી. ટોક્યો ઓલિમ્પિકની તમામ ઇવેન્ટ્સ ચાહકો વિના યોજાઈ હતી. કોવિડની ચપેટમાં આવનાર એડમ પીટીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એડમે ટોક્યો ઓલિમ્પિકમાં 4 મેડલ જીત્યા હતા જેમાં 3 ગોલ્ડનો સમાવેશ થાય છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં એક મેડલ જીત્યો છે. શૂટર મનુ ભાકરે ભારત માટે મેડલ ટેલીનું ખાતું ખોલ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારત આગળનો મેડલ ક્યારે મેળવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.