નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્વમાં દેશના કેટલાય શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. CAA કાયદો બન્યા પછી એક મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છતાં હજુ CAA વિરુદ્વ પ્રદર્શનો યથાવત છે. આ વિરોધ પ્રદર્શનોમાં સક્રિય સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) સંબંધિત એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, એવી ખબર મળી રહી છે કે, PFIના બેંક અકાઉન્ટથી દેશના કેટલાય વકીલોને પૈસા મોકલવામાં આવ્યા હતા. તેમાં કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલનું નામ પણ સામેલ છે. તપાસ દરમિયાન PFIના કેટલાક બેંક ખાતાઓની માહિતી મળી છે. જેમાં PFIના 27 અને તેની સાથે સંબંધિત એકમ રીહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન (RIF)ના 9 અને PFIના 17 અલગ-અલગ એકમો-વ્યક્તિઓ સાથે સંબંધિત 37 ખાતાઓની માહિતી મળી છે. આ ખાતાઓમાંથી 2થી 3 દિવસની અંદર 120 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
એવો પણ ખુલાસો થયો છે કે, માત્ર બે-ત્રણ દિવસોમાં જ ખાતાઓમાં મામૂલી રકમ રહેવા દઈને બાકીના પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. એવી માહિતી મળી રહી છે કે, PFI તરફથી કેટલાય વકીલોને પૈસા મોકલવામાં આવ્યા હતા અને આ નેતાઓમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલનું નામ પણ સામેલ છે. થયેલા ખુલાસા અનુસાર, PFI તરફથી કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલને 77 લાખ રૂપિયા, વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહને 4 લાખ રૂપિયા, દુષ્યંત દવેને 11 લાખ રૂપિયા અને અબ્દુલ સમરને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ પૈસા ઉત્તર પ્રદેશના બહરાઇવ, બિજનોર, હાપુડ, ડાસનાથી એકત્ર કરવામાં આવ્યા હતા.
આ આરોપોને કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે નકારતા આરોપ ખોટો હોવાનું કહ્યું હતું. તો સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના અધ્યક્ષ વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે, વકીલોને જે ‘ફી’ આપવામાં આવે છે તે આધિકારીક રીતે આપવામાં આવે છે. હું ક્યારેય PFI માટે કેસ નથી લડ્યો અને મને હાલ એ યાદ નથી આવી રહ્યું કે, કોઈ મામલામાં અન્ય પાર્ટી તરફથી તેમણે મને ચુકવણી કરી છે કે નહીં. દવેએ કહ્યું હતું કે, જો આપવામાં પણ આવ્યું હોય તો મને નથી લાગતું કે આ પહેલા તે કોઈ બેન સંસ્થા હતી. આ બધું મારા માટે કંઇ જ નથી, હું લઘુમતીઓ માટે કોર્ટમાં લડીશ. તો વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહ અને અબ્દુલ સમર તરફથી આ આરોપો અંગે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.