ખાનગીબેંકના કર્મચારીઓની સાથે કેટલીક સરકારી બેંકના કર્મચારીઓએ પોતાની માગને લઇને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. બે દિવસ માટે ખાનગી અને સરકારી બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે.
રિપોર્ટ અનુસાર 9 બેંકોના કર્મચારી યુનિયનના ગ્રૂપ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા બેંકમાં કામ કરતા કર્મચારીઓના પગાર વધારા સહિતની 12 જેટલી અન્ય માંગણીઓ સાથે બે દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. બેંકના કર્મચારીઓની હડતાલના કારણે SBI સહિતની બેંકોએ તેમના ગ્રાહકોને સાવધ કરતા કહ્યું છે કે, કર્મચારીઓની હડતાલ પછી રવિવાર આવતો હોવાથી ATMની કામગીરી પર પણ અસર પડી શકે છે.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા બેંકના કર્મચારીઓની હડતાલને લઇને ગુજરાત હાઈકોર્ટમાં એક પીટીશન દાખલ કરાવવામાં આવી હતી. હાઈકોર્ટે બેંકના કર્મચારીઓની હડતાલને જનહિતમાં અયોગ્ય ઠેરવી છે અને સાથે-સાથે સરકારને ઉદ્દેશીને ટકોર કરતા કહ્યું હતું કે, સરકારી સેવાની સાથે સંકળાયેલા લોકો હડતાલ પર જઈ શકે નહીં. જો કોઈ પણ કર્મચારી હડતાલ પર જાય છે તો તેનો પગાર કાપી લેવામાં આવે અને તેની સામે ખાતાકીય તપાસ પણ થઇ શકે છે. આ મામલે આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ થશે. આ સુનાવણી ચીફ જસ્ટિસ વિક્રમનાથની વડપણ હેઠળની બે જજની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં દલીલો થઇ હતી કે, બેંકની હડતાલના કારણે પ્રતિદિન 1200 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો અસરગ્રસ્ત થઇ શકે છે અને તેની સાથે બેંક સેવા અનેક વેપાર અને ઉદ્યોગોને પણ નુકશાન કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા અને આર્થિક સુધારાણા નીતિ પણ બેંકોની હડતાલના કારણે ખોરવાઈ શકે છે. આ દલીલોના કારણે હાઈકોર્ટે હડતાલની સામે નારાજગી દર્શાવી હતી. તેથી કોર્ટે કેન્દ્ર સરકારના વકીલને કેન્દ્ર સરકાર હડતાલની સામે કેવા દંડનાત્મક પગલાં લઇ શકે તે બાબતે એક સોગંધનામુ કરવાના આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.