– 19 ધારાસભ્યોને ગેરમાન્ય ઠેરવવા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી
– ગેહલોતે પાયલટને નિકમ્મા, નકારા અને ધોખેબાજ ગણાવ્યા
કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા તેનાથી ઉદાસ છું, પરંતુ મને તેમનાથી એ જ અપેક્ષા હતી, હું કાયકાદીય કાર્યવાહી કરીશ : પાયલટ
રાજસૃથાનમાં કોંગ્રેસના ધારાસભ્ય ગિરિરાજ સિંહ મલિંગાએ સચિન પાયલટ પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો હતો કે પાયલટે તેને ભાજપમાં જોડાઈ જવાના બદલામાં 35 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યના આ આરોપ પછી ખળભળાટ મચી ગયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ગિરિરાજ સિંહ મલિંગાએ પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે જ્યારે કોઈ કામ માટે તેણે સચિન પાયલટની મુલાકાત લીધી હતી, એ વખતે પાયલટે તેને કહ્યું હતું : ‘પાર્ટી છોડવી છે? ભાજપમાં જવું છે?’ મલિંગાના આક્ષેપ પ્રમાણે સચિન પાયલટે તેને 35 કરોડ રૂપિયા જેવી રકમ આપવાની તૈયારી બતાવીને કહ્યું હતું : ‘આપ મૂંહ તો ખોલો, જિતના ચાહેગેં ઉતના પૈસા મિલેગા.’મલિંગાએ કહ્યું હતું કે આ પ્રક્રિયા લગભગ છ મહિનાથી ચાલતી હતી.
આ આરોપનો જવાબ આપતા સચિન પાયલટે કહ્યું હતું કે ભ્રષ્ટાચારનો પ્રસ્તાવ મૂક્યાની વાત તદ્ન પાયાવિહોણી છે. હું ઉદાસ છું, પરંતુ મને કોઈ જ આશ્વર્ય થતું નથી. મને તેમનાથી આ જ અપેક્ષા હતી. હવે હું કાયદાકીય પ્રક્રિયાથી જ આ આક્ષેપનો જવાબ આપીશ.
પાયલટે કહ્યું હતું કે મને બદનામ કરવા માટે આવા પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે. મૂળ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે ચોક્કસ રણનીતિના ભાગરૂપે આવો આરોપ થયો છે. બીજી તરફ રાજસૃથાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગેહલોતે કહ્યું હતું કે સચિન પાયલટે કોંગ્રેસના પીઠમાં ખંજર ભોંક્યું છે.
કોંગ્રેસે તેની વય અને અનુભવના પ્રમાણમાં ઘણું બધું આપ્યું હતું, પરંતુ હકીકત તો એ છે કે પાયલટ નિકમ્મા, નકારા અને ધોખેબાજ છે. ગેહલોતે સચિન પાયલટ અને ભાજપ એમ બંને પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે રાજસૃથાનમાં કોંગ્રેસની સરકાર ડામાડોળ થાય તે માટે ભાજપ જ ફંડિંગ આપે છે, પરંતુ તેમનું ષડયંત્ર નિષ્ફળ રહ્યું છે.
દરમિયાન હાઈકોર્ટમાં પાયલટ સહિત 19 ધારાસભ્યોને ગેરમાન્ય ઠેરવવા મુદ્દે સુનાવણી શરૂ રહી હતી. સ્પીકરે 19 ધારાસભ્યોને ગેરમાન્ય ઠેરવતી નોટિસ પાઠવી તેની સામે 19 ધારાસભ્યો હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.
હાઈકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળી હતી. સુનાવણી 21મી જુલાઈએ પણ ચાલશે. સરકાર વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે હજુ તો ધારાસભ્યોને કારણદર્શક નોટિસ પાઠવી છે અને એ નોટિસમાં કોર્ટના હસ્તક્ષેપની કોઈ જ ગુંજાઈશ નથી. ધારાસભ્યો વતી હરિશ સાલ્વેએ દલીલો રજૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.