પિતૃઓને મુક્તિ અપાવવા કરો તર્પણ, જાણો શ્રાદ્ધ પક્ષનું શું છે મહત્વ

આપણું પાલન કરવા માટે તન, મન અને ધનથી વિશેષ પ્રયત્નો કર્યા તે તમામ પૂર્વજો લોકભાષામાં પિતૃઓ ગણાય. વિભિન્ન યોનિમાં પિતૃ શબ્દ દેવલોકમાં રહેનારા પિતૃઓ માટે લક્ષણાથી લેવાનો છે. પિતા-પિતામહ અને પ્રપિતામહની ઉપરના ત્રણ પુરુષો પિતૃલોકમાં રહેનારા દેવકોટિના પિતૃ ગણાય છે. તે પોતાના વંશજોના અપરાધને માફ્ કરીને કલ્યાણની શુભ આશિષ આપનારા છે. આ પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને સ્મૃતિઓ વાગોળવા માટે ખાસ દિવસોનું આયોજન એટલે ભાદરવાનો પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષ.

સૂર્યના સાયન મકરથી મિથુન સુધીના છ રાશિના ભ્રમણને (22 ડિસેમ્બરથી 21 જૂન) ઉત્તરાયન કહે છે. સૂર્યના સાયન કર્કથી ધનુ સુધીના છ રાશિના ભ્રમણને (22 જૂનથી 21 ડિસેમ્બર) દક્ષિણાયન કહે છે. શ્રાદ્ધ પક્ષ હંમેશાં દક્ષિણાયનમાં આવે છે. આથી જ કોઇ સંજોગવશાત્ ભાદરવા વદમાં શ્રાદ્ધકર્મ ન થઇ શક્યું હોય તો સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ સુધી એટલે કે તા. 14 નવેમ્બર સુધી યોગ્ય સમયે શ્રાદ્ધક્રિયા કરી શકાય છે. કારતક માસમાં તા. 14 નવેમ્બર પહેલાં લગ્ન, જનોઇ, વાસ્તુપ્રવેશ જેવાં મુહૂર્તો આપવાની પ્રથા નથી.

શ્રાદ્ધ પક્ષની તિથિઓ માટે ધર્મશાસ્ત્રમાં અમુક પ્રકારનો શાસ્ત્રાર્થ નિશ્ચિત થયેલો છે. સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમયગાળો એટલે દિનમાન. આ દિનમાનના ચાર સરખા ભાગ કરીએ તો ત્રીજા ભાગમાં મૃત્યુતિથિ જે દિવસે મળે તે દિવસે જે તે શ્રાદ્ધતિથિ લેવાય છે.

આથી માત્ર સૂર્યોદય સમયે ચાલતી આમાં હંમેશાં કામ આવતી નથી. વળી અમુક તિથિના દિવસે ખાસ પ્રકારના વિશેષ શ્રાદ્ધના દિવસો લેવાની શાસ્ત્રીય પરંપરા છે. આમ છતાં વડીલવર્ગ અને પિતૃઓ પ્રત્યે સાચી લાગણી બતાવવાના શુદ્ધ આશયથી શ્રાદ્ધ થતું હોય છે.

વહેલી સવારે, સૂર્યોદય સમયે, સંધ્યા સમયે કે રાત્રિના સમયે શ્રાદ્ધ કદાપિ કરવું નહીં. શ્રાદ્ધના ભોજનમાં લસણ, ડુંગળી, કંદમૂળ (ગાજર-મૂળા વગેરે) ન હોવા જોઇએ.
શ્રાદ્ધમાં તીખા- તળેલા, મરી-મસાલાથી ભરપૂર વ્યંજન-વાનગી ઇચ્છનીય નથી. શ્રાદ્ધ પક્ષ ભાદરવા માસમાં આવતો હોવાથી આરોગ્ય અને આયુર્વેદની દૃષ્ટિએ ઉપયોગી એવાં શુદ્ધ દૂધ, ખીર, દૂધપાકની વાનગી હોય તે વધુ આવકાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.