વડાપ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ માનદ ધોરણે ફંડનું સંચાલન કરશે
દેશના ત્રણ લાખથી પણ વધારે લોકો કોરોના વાયરસની લપેટમાં આવી ચુક્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કોરોના વાયરસને હરાવવા માટે સતત કામ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે પીએમ કેર ફંડને લઈ વિવાદ વકરી રહ્યો છે જેથી તેનું ઓડિટ કરવામાં આવશે.
વિવાદો અને કોર્ટ કેસ સામે ઝઝુમી રહેલી મોદી સરકારે શુક્રવારે પીએમ કેર્સ ફંડની જાણકારી અપડેટ કરવા માટે એક સ્વતંત્ર ઓડિટરની નિયુક્તિ કરી હતી. જ્યારે વડાપ્રધાન કાર્યાલયના બે અધિકારીઓ માનદ ધોરણે ફંડનું સંચાલન કરશે.
હકીકતે તાજેતરમાં જ પીએમ કેર ફંડની જાણકારી માટે કોર્ટમાં આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી. આરટીઆઈ કાર્યકરોએ પારદર્શિતાની ઉણપ હોવાનો હવાલો આપીને બોમ્બે હાઈકોર્ટની સાથે દિલ્હી હાઈકોર્ટમાં પણ આ ફંડને પડકાર આપ્યો હતો. જોકે આ આરટીઆઈનો કોઈ જવાબ નથી અપાયો.
જોકે હવે આરટીઆઈ અરજીમાં જે સવાલો કરવામાં આવેલા તેમાંથી કેટલાક સવાલોના જવાબ પીએમ કેર્સ ફંડની વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. તે મુજબ આ ફંડ 27મી માર્ચના રોજ એક ચેરિટેબલ ટ્ર્સ્ટ તરીકે રજીસ્ટર થયું હતું અને તેનું મુખ્ય કાર્યાલય દક્ષિણ બ્લોકમાં પીએમ કાર્યાલય તરીકે રજીસ્ટર છે.
ઓનલાઈન આરટીઆઈ
એક આરટીઆઈ દ્વારા પીએમ કેર ફંડ અંગે જાણકારી માંગવામાં આવી હતી. જોકે વડાપ્રધાન કાર્યાલય તરફથી જાણકારી આપવાની મનાઈ કરી દેવામાં આવી હતી. સીપીઆઈઓ દ્વારા પીએમ કેર્સ ફંડ આરટીઆઈના ક્ષેત્રમાં નથી આવતું તેમ કહીને આરટીઆઈ અંતર્ગત માંગવામાં આવેલી જાણકારીનો કોઈ જવાબ નહોતો અપાયો.
ફંડ મામલે વિવાદ
જોકે પીએમ કેર્સ ફંડ શરૂઆતથી જ વિવાદના વમળમાં ફસાયેલું છે. પીએમ કેર્સ ફંડ માટે સીએસઆર દાનની મંજૂરી છે પણ સીએમ રાહત કોષ માટે નહીં. તે સિવાય અઢી મહીના વીતવા છતા બોર્ડના ટ્ર્સ્ટીના નામ સામે નથી આવ્યા. પીએમ નેશનલ રિલીફ ફંડ માટે કોઈ પીએસયુ દાન નહીં પણ પીએમ કેર્સ માટે તેની મંજૂરી છે. તે સિવાય વિદેશી દાન મામલે પણ પારદર્શિતાનો અભાવ છે.
દાનની અપીલ
સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે અને ભારતમાં પણ દરરોજ નવા નવા કેસ સામે આવી રહ્યા છે. આ કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ મહીનામાં કોરોના મહામારીનો સામનો કરવા માટે લોકોને પીએમ કેર્સ ફંડમાં દાન કરવા વિનંતી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.