બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ જોડાય તેવી શક્યતા
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે માર્ચ મહીનામાં લોકડાઉન લાગુ કર્યું હતું. ત્યારબાદ સરકારે આર્થિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને અનલોક-1 અને અનલોક-2 શરૂ કર્યું હતું. આગામી 31મી જુલાઈના રોજ અનલોક-2 સમાપ્ત થવા જઈ રહ્યું છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચર્ચા કરી શકે તેમ છે જેથી ભવિષ્યની રણનીતિ ઘડી શકાય.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ અનલોક-3 અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. એક અહેવાલ પ્રમાણે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હિસ્સો લઈ શકે છે.
કોરોના કાળમાં આઠમી વખત બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ 19 જુલાઈના રોજ બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી તથા કોરોના અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાનની આજે મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી આ આઠમી બેઠક હશે.
આ તરફ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14 લાખને પાર કરી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ સમાન 49,931 નવા કેસ સામે આવ્યા છે. આ એક જ દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં થયેલો સૌથી મોટો વધારો છે. આ દરમિયાન 708 જેટલા લોકોએ ખતરનાક વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 14,35,453 લોકો કોવિડ-19થી સંક્રમિત થયા છે જેમાંથી 9,17,568 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તે સિવાય દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 4,85,114 છે અને અત્યાર સુધીમાં વાયરસના કારણે 32,771 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.