રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતનું ધર્મસંકટ વધી ગયું છે. અને પીએમ નરેન્દ્ર મોદી આ યુદ્ધ બાદ ઉભી થયેલી નવી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક (CCS) યોજવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી પાછા ફર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મોટી બેઠક કરશે અને આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો અને રક્ષા મંત્રાલયના અધિકારીઓ ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ફાટી નીકળેલા સૈન્ય તણાવ પછી, ગુરુવારથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયન દળોએ તેના જુદા જુદા ભાગો પર એક સાથે હુમલા કર્યા છે. યુક્રેને એવો પણ દાવો કર્યો કે તેણે પણ જવાબી કાર્યવાહી કરી છે અને જેમા 7 રશિયન ફાઇટર જેટને તોડી પાડ્યા છે અને 2 સૈનિકોને જીવતા પકડી લીધા છે.
આ સાથે જ નાટો દેશોએ પણ રશિયાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી છે અને નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે માંગ કરી હતી કે રશિયાએ તેની સૈન્ય કાર્યવાહી બંધ કરીને તરત જ યુક્રેનમાંથી તેના સૈન્યને પાછું ખેંચવું જોઈએ. સ્ટોલટેનબર્ગે કહ્યું કે નાટોએ પરિસ્થિતિનો સામનો કરવા માટે ગઠબંધન દેશોમાં 100 ફાઇટર જેટ અને 120 જહાજો તૈનાત કર્યા છે. રશિયા દ્વારા કોઈપણ આક્રમક વર્તનનો સખત જવાબ આપવામાં આવશે. શુક્રવારે નાટો દેશોના નેતાઓ પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક પણ યોજવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.