PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને રૂપાણી સરકાર નડશે, 9 વર્ષ છતાં ભૂમિપૂજન બાકી

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર માટે એક સપનું જોયું હતું પરંતુ નવ વર્ષ પછી પણ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમનું આ સપનું પુરૂં કરી શક્યા નથી. મોદીએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના ભારે ટ્રાફિકને હળવો કરવા સાબરમતી નદીના કિનારે માર્ગ બનાવીને તેનું બ્યુટીફિકેશન કરવું પરંતુ આનંદીબહેન અને વિજય રૂપાણીની સરકારમાં આ પ્રોજેક્ટ ભૂલાઇ ચૂક્યો છે.

નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રીવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવ્યા પછી તેને ગાંધીનગર સુધી લંબાવવા માટેની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત 2011માં કરી હતી. ત્યારપછી અમદાવાદના વાસણા થી ગાંધીનગર અને છેક અલુવા હિલ્સ સુધી રીવરફ્રન્ટને વિકસાવવાની યોજના બનાવવામાં આવી હતી. સાબરમતી નદીમાં હાલ નર્મદા કેનાલમાંથી પાણી નાંખવામાં આવે છે તેમ ગાંધીનગરના રીવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પણ નર્મદા નદીનું પાણી નાંખવામાં આવનાર હતું. જો કે સરકારે ગાંધીનગર માટેના રીવરફ્રન્ટ પ્રોજેક્ટનું હજી સુધી ભૂમિપૂજન પણ કર્યું નથી.

અમદાવાદમાં સાબરમતી નદી પર રીવરફ્રન્ટની યોજનાને વ્યાપક આવકાર મળ્યા પછી ગાંધીનગર શહેર પાસેથી પસાર થતી સાબરમતી નદી પર પણ રીવરફ્રન્ટ વિકસાવવાની યોજનાનું હાલ તો બાળમરણ થયું છે. ગાંધીનગરને રીવરફ્રન્ટ આપવાની યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અને બજેટમાં પણ આકાર લઇ ચૂકી છે. સરકારે છેલ્લે એવું નક્કી કર્યું હતું કે ગાંધીનગરના રીવરફ્રન્ટનો પ્રોજેક્ટ ખાનગી કંપની પાસે તૈયાર કરાવવામાં આવશે.

ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી આકાર પામી રહ્યું છે. આ સિટીને રીવરફ્રન્ટથી જોડી દેવાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. રાજ્યના માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અમારી પાસે ગાંધીનગર રીવરફ્રન્ટનો ડ્રાફ્ટ રીપોર્ટ તૈયાર છે પરંતુ સરકાર તરફથી તેને ફાઇલન કરવામાં આવ્યો નથી. સરકાર નક્કી કરે ત્યારે અમે ભૂમિપૂજન કરવા તૈયાર છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.