PM મોદીએ વ્યક્ત કર્યો આ વાતનો અફસોસ..

PM નરેન્દ્ર મોદીએ ‘આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરી વિકાસ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું અને કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેમાંથી આ છઠ્ઠો વેબિનાર યોજાયો હતો.

આ વેબિનારમાં ઉપસ્થિતોને સંબોધન આપતા PMએ એ વાતનો અફસોસ વ્યક્ત કર્યો હતો કે, આઝાદી પછી દેશમાં માત્ર એક કે બે શહેરોનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, જો આઝાદીના 75 વર્ષમાં 75 આયોજનબદ્ધ શહેરોનો વિકાસ કરવામાં આવ્યો હોત તો વિશ્વમાં ભારતની સ્થિતિ સંપૂર્ણપણે અલગ હોત. PMએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, 21મી સદીમાં ભારતના ઝડપી માહોલમાં સુઆયોજિત શહેરો એ સમયની માંગ છે અને PMએ નવા શહેરોનો વિકાસ અને હાલના શહેરોમાં સેવાઓનું આધુનિકીકરણ એ શહેરી વિકાસના બે મુખ્ય પરિબળો છે તે વાતને રેખાંકિત કરીને દેશના દરેક અંદાજપત્રમાં શહેરી વિકાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એવી માહિતી આપી હતી કે, શહેરી વિકાસના ધોરણો માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 15,000 કરોડનું પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યું છે અને તેનાથી સુનિયોજિત શહેરીકરણને વેગ પ્રાપ્ત થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

PMએ પુનરોચ્ચાર કર્યો હતો કે, શહેરી વિકાસમાં આયોજન અને શાસનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ટાંક્યું હતું કે, શહેરોનું નબળું આયોજન કરવામાં આવે અથવા આયોજન પછી યોગ્ય અમલીકરણનો અભાવ હોય તો ભારતની વિકાસ યાત્રામાં તેના કારણે મોટા પડકારો ઉભા થઇ શકે છે. તેમણે સ્પેટિઅલ આયોજન, પરિવહન આયોજન અને શહેરી માળખાકીય સુવિધાઓના ક્ષેત્રોમાં ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો અને તેમણે આ વેબિનારમાં ઉપસ્થિત રહેલા સહભાગીઓને રાજ્યોમાં શહેરી આયોજન ઇકોસિસ્ટમને કેવી રીતે મજબૂત બનાવવી, શહેરી આયોજનમાં ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ કુશળતાનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને અંતે શહેરી આયોજનને નવા સ્તરે લઇ જઇ શકે તેવા ઉત્કૃષ્ટતાના કેન્દ્રનો વિકાસ કેવી રીતે કરવો તે અંગેના ત્રણ મુખ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિનંતી કરી હતી અને તેમણે ઉલ્લેખ કર્યો કે તમામ રાજ્ય સરકારો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ વિકસિત રાષ્ટ્ર માટે તેમનું યોગદાન માત્ર ત્યારે જ આપી શકે છે જ્યારે તેઓ આયોજનબદ્ધ શહેરી વિસ્તારો તૈયાર કરવામાં આવે. PMએ ટિપ્પણી કરી હતી કે શહેરી આયોજન અમૃતકાળમાં આપણા શહેરોનું ભાવિ નિર્ધારિત કરશે અને માત્ર સુઆયોજિત શહેરો જ ભારતનું ભાવિ નિર્ધારિત કરી શકે છે અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વધુ સારા આયોજનથી જ આપણાં શહેરો પણ આબોહવાને અનુકૂલિત બનશે અને જળ સુરક્ષિત પણ બનશે.

PMએ કહ્યું હતું કે સરકાર જે યોજનાઓ અને નીતિઓ ઘડી રહી છે તે માત્ર શહેરોના લોકો માટે જીવન સરળ બનાવતી હોય એવું નથી પરંતુ તેમના પોતાના વિકાસમાં પણ મદદરૂપ થશે. તેમણે આ વર્ષના અંદાજપત્રમાં પીએમ આવાસ યોજના માટે લગભગ રૂ. 80,000 કરોડ ખર્ચવાની સરકારની પ્રતિબદ્ધતા વિશે માહિતી આપી અને જણાવ્યું હતું કે, જ્યારે પણ ઘર બને છે ત્યારે સિમેન્ટ, લોખંડ, રંગ અને ફર્નિચર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને શહેરી વિકાસના ક્ષેત્રમાં ભવિષ્યવાદી ટેક્નોલોજીની વધી રહેલી ભૂમિકા પર પ્રકાશ પાડતા PMએ સ્ટાર્ટઅપ્સ તેમજ ઉદ્યોગોને આ દિશામાં વિચાર કરવા અને ઝડપથી કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. PMએ પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, આપણે અસ્તિત્વમાં રહેલી તમામ સંભાવનાઓનો લાભ ઉઠાવવો પડશે અને નવી સંભાવનાઓને પણ જન્મ આપવો પડશે અને ટકાઉક્ષમ હાઉસ ટેક્નોલોજીથી લઇને ટકાઉક્ષમ શહેરો સુધી, આપણે નવા ઉકેલો શોધવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.