ભારે વરસાદને કારણે PM મોદીનો ગુજરાત પ્રવાસ થયો રદ્દ ,15 જુલાઈએ ગુજરાત આવવાના હતા..

હાલમાં ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે અને આ સમયે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે પોશ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે કચ્છથી લઈને અમદાવાદ અને સુરતથી નવસારી, વાપીથી બારડોલી સુધીના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર જેવી સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન 15 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. મોદી ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેવાના હતા. આ ઉપરાંત તેઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના હતા અને નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન સાબરડેરી ખાતે થવાનું હતું પરંતુ ભારે વરસાદને કારણે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અસ્થાયી રૂપે મોકૂફ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 4 જુલાઈના રોજ નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે ડિજિટલ વીકનું ઉદ્ઘાટન કર્યું હતું. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી દર મહિને વિવિધ કાર્યક્રમો અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે અને આવા સમયે નરેન્દ્ર મોદી ગુજરાત પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને તમામને મદદ કરવાની ખાતરી પણ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.