તમામ શહેરી સહકારી બેંકો અને મલ્ટી સ્ટેટ સહકારી બેંકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ લાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પીએમસી બેંક જેવા કૌભાંડ ફરીથી ન થાય અને ડિપોઝિટરોના હિતોનું રક્ષણ થાય તે માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં 1482 શહેરી કોઓપરેટિવ બેંકો અને 58 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેકોમાં કુલ 8.6 કરોડ ખાતાધારકો છે અને તેમાં 4.85 લાખ કરોડ રૂપિયાની ડિપોઝીટ જમા છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ અંગે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે. સરકારના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે 1540 શહેરી કોઓપરેટિવ બેંકો અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેકોને આરબીઆઇના સુપરવિઝન હેઠળ આવશે.
આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અન્ય પણ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. જે હેઠળ ઓબીસી કમિશનની મુદ્દત વધુ છ મહિના માટે લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર, 2017માં
ન્યાયમૂર્તિ જી રોહિણી(નિવૃત્ત)ના નેતૃત્ત્વમાં આ કમિશનની રચના કરવામાં આવી હતી.
કમિશનના જણાવ્યા અનુસાર તેને વધુ સમયની જરૂર છે. આ અગાઉ તેણે 31 જુલાઇ, 2020 સુધી મુદ્દત વધારવા જણાવ્યું હતું. જો કે કોરોના મહામારીને પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે કમિશન પોતાનું કાર્ય પૂર્ણ કરી શક્યું નથી. તેથી કમિશને પોતાની મુદ્દત વધુ છ મહિના એટલે કે 31 જાન્યુઆરી, 2021 સુધી વધારવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.